અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન ઇતિહાસના આ સૌથી લાંબા શટડાઉનને સમાપ્ત કરવા માટે સેનેટ-સમર્થિત બિલને ગૃહ દ્વારા મંજૂરી આપવામાં આવી, ત્યારબાદ તેને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું. ટ્રમ્પે આ બિલ પર હસ્તાક્ષર કર્યા.
શટડાઉન સમાપ્ત કરવાના આ બિલની તરફેણમાં લગભગ તમામ રિપબ્લિકન અને કેટલાક ડેમોક્રેટ્સે મતદાન કર્યું. આ બિલ પસાર કરવા માટે 222-209ના આંકડા સાથે મતદાન થયું હતું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બિલ અંગે કહ્યું કે, “હું હંમેશા કોઈની પણ સાથે કામ કરવા તૈયાર છું, બીજા પક્ષ સાથે પણ. અમે સ્વાસ્થ્ય સેવા સાથે જોડાયેલા કોઈને કોઈ વિષય પર કામ કરીશું અને અમે ઓબામાકેરની આ પાગલપન (madness) ને ભૂલી જઈશું.”
ટ્રમ્પે 20,000 ફ્લાઈટ્સ રદ્દ અને વિલંબિત થવા માટે ડેમોક્રેટિક પાર્ટીને જવાબદાર ઠેરવી. તેમણે કહ્યું કે 10 લાખથી વધુ સરકારી કર્મચારીઓ પોતાના પગારથી વંચિત થઈ ગયા, લાખો-કરોડો અમેરિકનો માટે ફૂડ સ્ટેમ્પ લાભ બંધ કરી દેવાયા.
તેમણે આગળ કહ્યું કે આ અવિશ્વસનીય બિલ પર હસ્તાક્ષર કરીને અને પોતાના દેશને ફરીથી કામ કરવા માટે સક્ષમ બનાવવો તે સન્માનની વાત છે. હવે તમામ સરકારી કામકાજ ફરીથી શરૂ થઈ જશે. જોકે, પરિસ્થિતિને સામાન્ય થવામાં થોડો સમય લાગી શકે છે. શટડાઉન દરમિયાન હવાઈ સેવા પર તેની ઘણી અસર જોવા મળી હતી. શટડાઉન સમાપ્ત થયા પછી પણ સેવા તરત સામાન્ય નહીં થાય, તેમાં થોડો સમય લાગી શકે છે. અમેરિકન મીડિયા અનુસાર, આજે અમેરિકામાં 900થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
ગૃહના અધ્યક્ષ માઇક જોહ્નસને મતદાન પહેલાં ગૃહમાં આપેલા પોતાના ભાષણમાં કહ્યું, “તેઓ જાણતા હતા કે આનાથી તકલીફ થશે, છતાં તેમણે આવું કર્યું. આ આખી પ્રક્રિયા વ્યર્થ હતી. આ ખોટું અને ક્રૂર હતું.” ફેડરલ ફંડિંગ બિલ 30 જાન્યુઆરી સુધી મોટા ભાગની સરકારી એજન્સીઓને નાણાકીય સહાય પૂરી પાડશે. આ બિલ દ્વારા સપ્લીમેન્ટલ ન્યૂટ્રિશન આસિસ્ટન્સ પ્રોગ્રામ (SNAP) માટે બાકીના નાણાકીય વર્ષ માટે સંપૂર્ણ ફંડિંગ કરવામાં આવશે. આનાથી મફત અને ઓછા ખર્ચે શાળા ભોજન સહિત બાળ પોષણ કાર્યક્રમોને સંપૂર્ણપણે ફંડ મળશે.
આ પહેલાં શટડાઉન દરમિયાન ટ્રમ્પ સરકારે અમેરિકામાં રહેતા ગરીબોને મળતા ભોજનની અડધી રકમ રોકી દીધી હતી. જોકે, નીચલી કોર્ટે આ રોક હટાવીને તરત ફંડ જારી કરવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ સરકારે સુપ્રીમ કોર્ટ તરફ વલણ અપનાવ્યું. પછી સુપ્રીમ કોર્ટે પણ ટ્રમ્પના નિર્ણયને અસ્થાયીરૂપે મંજૂરી આપી દીધી હતી.
SNAP (એસએનએપી) અમેરિકામાં ગરીબ લોકો માટે ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમ હેઠળ લગભગ આઠમાંથી એક અમેરિકન, જેઓ ઓછી આવક ધરાવતા પરિવારો છે, તેમને મદદ મળે છે. SNAP અમેરિકાનો સૌથી મોટો ખાદ્ય સહાય કાર્યક્રમ છે, જે લગભગ 42 મિલિયન લોકોને ભોજન ખરીદવામાં મદદ કરે છે. આ લાભાર્થીઓમાં મોટા ભાગના લોકો ગરીબી રેખા પર અથવા તેનાથી નીચે જીવન જીવે છે.

