આતિશીને દિલ્હીની મુખ્યમંત્રી જાહેર કરાતા જ વિરોધ ફાટી નીકળ્યો, ભાજપ સહિત આપના નેતાએ આપી તીખી પ્રતિક્રિયા
અરવિંદ કેજરીવાલ બાદ આતિશીને દિલ્હીના મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત થઈ છે. આ જાહેરાત થતા જ આતિશીનો વિરોધ થવા લાગ્યો છે. ભાજપ જેવા વિરોધી તો ઠીક પરંતુ આમ આદમી પાર્ટીના નેતા સ્વાતિ માલીવાલ પણ આતિશીને ડમી સીએમ ગણાવી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ આતિશી દિલ્હીના નવા સીએમ તરીકેનો કાર્યભાર સંભાળશે. આતિશીના નામની જાહેરાત બાદ તેમની જ પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે તીખી પ્રતિક્રિયા આપી છે.
સ્વાતિ માલીવાલે પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું કે આજનો દિવસ દિલ્હી માટે ખૂબ જ દુઃખદ દિવસ છે. આતંકવાદી અફઝલ ગુરુને ફાંસીથી બચાવવા માટે જેના પરિવારે લાંબી લડાઈ લડી હતી તે મહિલાને દિલ્હીની મુખ્યમંત્રી બનાવવામાં આવી રહી છે. આતંકવાદી અફઝલ ગુરુને બચાવવા માટે તેના માતા-પિતાએ માનનીય રાષ્ટ્રપતિને દયાની અરજી લખી હતી. તેમના મતે અફઝલ ગુરુ નિર્દોષ હતો અને તેને રાજકીય ષડયંત્રમાં ફસાવવામાં આવ્યો હતો. જો કે આતિશી માત્ર ‘ડમી સીએમ‘ છે, તેમ છતાં આ મુદ્દો દેશની સુરક્ષા સાથે જોડાયેલો છે. ભગવાન દિલ્હીની રક્ષા કરે.
દિલ્હી ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ રિચા પાંડે મિશ્રાએ આતિશીના મુખ્યમંત્રી બનવા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આતિશીને અભિનંદન. તેણે આતિશીને સ્વાતિ માલીવાલ સાથેના કથિત હુમલા વિશે પણ યાદ અપાવ્યું અને એક નાનકડી સલાહ લખી – એક કઠપૂતળીની જેમ રહો, થોડી હિંમત પણ બતાવો નહીં તો સ્વાતિ માલીવાલ જેવી જ પરિસ્થિતિમાં તમે પણ આવી શકો છો. જો તમને માર મારવામાં આવશે તો અમને ખૂબ દુઃખ થશે.