‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ માટે મોદી સરકાર મક્કમ, અમિત શાહે આપ્યું નિવેદન
મોદી સરકારના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ થતા ગૃહમંત્રી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન તેમણે મીડિયાને સંબોધતા કહ્યું કે સરકાર પોતાના કાર્યકાળ દરમિયાન એક રાષ્ટ્ર, એક ચૂંટણીની યોજનાને અમલમાં મૂકવા માંગે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થવા પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, દેશમાં આગામી પાંચ વર્ષમાં એટલે કે આ કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી‘ લાગુ કરવામાં આવશે. તેમણે સત્તા સંભાળ્યાના 100 દિવસમાં એનડીએ સરકાર દ્વારા કરવામાં આવેલા નોંધપાત્ર કાર્યો પર પણ પ્રકાશ પાડ્યો.
ગૃહમંત્રીએ કહ્યું, “સરકાર આ સરકારના કાર્યકાળ દરમિયાન વન નેશન, વન ઇલેક્શન લાગુ કરવાની યોજના ધરાવે છે.” ઉલ્લેખનીય છે કે ગયા મહિને સ્વતંત્રતા દિવસના અવસર પર પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વન નેશન, વન ઈલેક્શન‘ માટે દલીલ કરી હતી.
વડાપ્રધાને કહ્યું હતું કે, “આપણે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી‘ના સ્વપ્નને સાકાર કરવા આગળ આવવું પડશે.” નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની આગેવાની હેઠળની એક ઉચ્ચ સ્તરીય પેનલે લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવાની ભલામણ કરી હતી.