પાકિસ્તાનના પૂર્વ વઝીર-એ-આઝમ ઈમરાન ખાનની મુશ્કેલીમાં વધારો, તેમની પાર્ટીના અધ્યક્ષ ગૌહર ખાનની ધરપકડ
સમરીઃ
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના અધ્યક્ષ ગૌહર અલી ખાનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના અધ્યક્ષ બેરિસ્ટર ગૌહર ખાન અને ધારાસભ્ય શેર અફઝલ મારવતની સંસદ ભવન બહારથી ધરપકડ કરી છે. હવે ઈમરાન ખાનની મુશ્કેલીઓ હળવી થવાને બદલે વધુ જટીલ બનશે.
સ્ટોરીઃ
ઈસ્લામાબાદમાં ઈમરાન ખાનની પાર્ટીના શક્તિ પ્રદર્શન દરમિયાન બખેડો થયો હતો. ફાયરિંગ થતા નાસભાગ મચી હતી. આ ઘટના બાદ હવે પાર્ટીના અધ્યક્ષ ગૌહર ખાનની ધરપકડથી પાર્ટીને કમર તોડ ફટકો પડ્યો છે.
ઈસ્લામાબાદ પોલીસે કહ્યું કે પીટીઆઈ નેતા ઓમર અયુબ ખાન અને જરતાજ ગુલ વઝીરની પણ ધરપકડ કરવામાં આવશે. શેર અફઝલ મારવતે ધરપકડનો વિરોધ કર્યો હતો અને પોલીસને ધરપકડ વોરંટ બતાવવા કહ્યું હતું. જોકે, પોલીસે પીટીઆઈના નેશનલ એસેમ્બલીના સભ્ય અલી મુહમ્મદ ખાનની સંસદમાંથી બહાર નીકળતી વખતે ધરપકડ કરી ન હતી.
મારગલા રોડ સિવાય ડી-ચોક, નાદરા ચોક, સેરેના અને મેરિયોટથી રેડ ઝોનમાં પ્રવેશવાના અને બહાર નીકળવાના તમામ માર્ગો બંધ કરવામાં આવ્યા હતા. સંસદની બહાર મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા.
પોલીસે તાજેતરમાં અધિકૃત પીસફુલ એસેમ્બલી એન્ડ પબ્લિક ઓર્ડર બિલ, 2024 હેઠળ નૂન ગામ અને સાંગજાની પોલીસ સ્ટેશનમાં પીટીઆઈના કેટલાક નેતાઓ સામે કેસ નોંધ્યા છે. આ કેસોમાં સીમાબિયા તાહિર અને રાજા બશારત સહિત ઓછામાં ઓછા 28 સ્થાનિક નેતાઓના નામ હતા. એફઆઈઆર મુજબ, જ્યારે પોલીસ અધિકારીઓએ તેમને ઈસ્લામાબાદ રેલીના માર્ગનું ઉલ્લંઘન કરતા રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપી પીટીઆઈ કાર્યકર્તાઓએ પોલીસ ટીમો પર લાકડીઓથી હુમલો કર્યો અને તેમના પર પથ્થરમારો કર્યો.