આંધ્રપ્રદેશમાં પૂરના સર્વેક્ષણમાં સામે આવ્યા ભયાવહ આંકડા, ૬ હજાર કરોડથી વધુનું નુકસાન
આંધ્રપ્રદેશમાં કેન્દ્ર સરકારના અધિકારીઓની ટીમે પૂર પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કર્યુ છે. જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. પ્રાથમિક અંદાજ મુજબ, પૂરને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં અંદાજે 6,880 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
આંધ્રપ્રદેશમાં તાજેતરમાં આવેલા પૂરને કારણે 6 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે, જ્યારે 10 લાખથી વધુ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. આંધ્રપ્રદેશના અધિકારીઓએ આ માહિતી કેન્દ્રીય ટીમને આપી છે. પૂરની અસર 7 જિલ્લામાં વધુ છે. પૂરના કારણે 10.63 લાખ લોકો પ્રભાવિત થયા છે.
વિશેષ મુખ્ય સચિવ આરપી સિસોદિયાએ અધિકારીઓને નુકસાનની વિગતો આપતો પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ટીમે પૂરની અસરનું મૂલ્યાંકન કરવા માટે 4 જિલ્લાની મુલાકાત લીધી હતી.
પૂર પીડિતોએ કેન્દ્રીય ટીમને ફરિયાદ કરી હતી કે તેમની મિલકતો અને પાક તેમની નજર સમક્ષ ધોવાઈ ગયા છે. આ સાથે, ટીમે કાંકીપાડુ મંડલના મદ્દુર તેમજ પેનામાલુર મંડલના યાનમાલાકુદુરુ, ચોદાવરમ અને પેદાપુલિપાકા ગામોમાં નુકસાન થયેલા પાક અને ઘરોનું પણ નિરીક્ષણ કર્યું.