રાહુલ ગાંધીને મળતી ધમકીઓના વિરોધમાં કોંગ્રેસ દેશવ્યાપી આંદોલન કરશે
કોંગ્રેસ રાહુલ ગાંધીને મળેલી ધમકીઓથી ચિંતિત છે. હવે કોંગ્રેસ પાર્ટી ધમકીઓ વિરૂદ્ધ દેશભરમાં રસ્તાઓ પર ઉતરશે તેમજ ધમકી આપનાર સામે કાયદાકીય કાર્યવાહી પણ કરશે.
રાહુલ ગાંધીને મળતી ધમકીઓના વિરોધમાં કોંગ્રેસ દેશવ્યાપી અભિયાન શરૂ કરશે. કોંગ્રેસનું માનવું છે કે આવી ધમકીઓ રાહુલ ગાંધીને નુકસાન પહોંચાડવાની યોજનાનો એક ભાગ છે અને કેન્દ્ર આ મુદ્દે મૌન છે તેથી કોંગ્રેસ ચિંતામાં છે.
કોંગ્રેસે ચિંતા જાહેર કરી છે કારણ કે રાહુલના દાદી ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી અને પિતા ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની પણ તેમની રાજનીતિનો વિરોધ કરનારાઓ દ્વારા હિંસક રીતે હત્યા કરવામાં આવી હતી.
પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં છુપાયેલા આતંકવાદીઓને ખતમ કરવા આર્મી ઓપરેશનના બદલામાં 31 ઓક્ટોબર, 1984ના રોજ ઈન્દિરા ગાંધી તેમના બે અંગરક્ષકો દ્વારા ચલાવવામાં આવેલી ગોળીઓનો ભોગ બન્યા હતા. જ્યારે 21 મે, 1991ના રોજ શ્રીલંકાના આતંકવાદી જૂથ LTTE સાથે જોડાયેલા એક મહિલા આત્મઘાતી બોમ્બર દ્વારા રાજીવ ગાંધીના ટુકડા થઈ ગયા હતા..
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) સંસ્થાના પ્રભારી કેસી વેણુગોપાલે કહ્યું કે, “અમે તમામ રાજ્ય એકમોને આગામી થોડા દિવસોમાં રાહુલ ગાંધીને ધમકીઓ સામે વિરોધ કરવા અને જનતાને આ મુદ્દો સમજાવવા કહ્યું છે.”