૬ વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાંથી રાષ્ટ્રપતિ શાસન થયું દૂર, આવતીકાલે ઓમર અબ્દુલ્લા સરકારનો શપથ ગ્રહણ સમારોહ
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા આવતીકાલે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લાને શપથ લેવડાવશે. હવે ૬ વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાંથી રાષ્ટ્રપતિ શાસન દૂર થયું.
નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા બુધવારે ૧૬ ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. નવી સરકારના શપથ ગ્રહણ પહેલા, જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવામાં આવ્યું હતું. કલમ ૩૭૦ હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ૬ વર્ષથી રાષ્ટ્રપતિ શાસન હતું.
NC ધારાસભ્ય દળના નેતા ઓમર અબ્દુલ્લાએ ટ્વિટર પર એલજીનો પત્ર શેર કરતા લખ્યું, એલજીના મુખ્ય સચિવને મળીને આનંદ થયો. તેમણે લેફ્ટનન્ટ ગવર્નરનો એક પત્ર સોંપ્યો, જેમાં મને જમ્મુ-કાશ્મીરમાં આગામી સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
એલજીએ પત્રમાં લખ્યું છે કે, જમ્મુ-કાશ્મીર સરકાર બનાવવા અને તેનું નેતૃત્વ કરવા માટે તમને આમંત્રણ આપીને મને આનંદ થાય છે. હું તમને અને તમારા દ્વારા ભલામણ કરાયેલા સભ્યોને ૧૬ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ શ્રીનગર ખાતે સવારે ૧૧.૩૦ કલાકે તમારા મંત્રી પરિષદના સભ્યો તરીકે સામેલ કરવા માટે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવીશ.
૮ ઓક્ટોબરે ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધને જમ્મુ-કાશ્મીરમાં ૧૦ વર્ષના લાંબા ગાળા બાદ વિધાનસભા ચૂંટણી જીતી છે. ઓમર અબ્દુલ્લા ૧૦ ઓક્ટોબરે સર્વસંમતિથી નેશનલ કોન્ફરન્સ લેજિસ્લેટિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા હતા. જેના કારણે ઓમર અબ્દુલ્લા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી બનશે તે નક્કી હતું.
Read Also CM Yogi Takes Strict Action on Bahraich Violence, Negligent Officers May Face Serious Consequences