તિરૂપતી પ્રસાદના લાડુના વિવાદમાં વિહીપની એન્ટ્રી, મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુકત કરવા કરી માંગણી
તિરૂપતી મંદિરના પ્રસાદના લાડુમાં પ્રાણીજ ચરબીનો વિવાદ હવે વકર્યો છે. આ વિવાદમાં હવે વિહીપની એન્ટ્રી થઈ છે. વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહાસચિવ બજરંગ બાગરાએ હિન્દુઓના તમામ મંદિરો અને અન્ય ધર્મસ્થળોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવાની માંગણી કરી છે.
તિરૂપતી મંદિરના પ્રસાદના લાડુમાં પ્રાણીઓની ચરબી ભેળવવાનો વિવાદ વકરી રહ્યો છે. હવે વિહીપે તિરુપતિ મંદિરના લાડુમાં પ્રાણીની ચરબીનો કથિત ઉપયોગને અસહ્ય ગણાવીને આંધ્રપ્રદેશ સરકાર પાસેથી મંદિરનું નિયંત્રણ અને સંચાલન હિન્દુ સમુદાયને સોંપવાની માંગણી કરી છે.
વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહાસચિવ બજરંગ બાગરાએ દેશભરમાં હિંદુઓના તમામ મંદિરો અને અન્ય ધર્મસ્થળોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવાની માંગ કરી છે. તેમણે તિરુપતી મંદિરના પ્રસાદને અપવિત્ર કરવામાં કથિત રીતે સામેલ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.
બજરંગ બાગરાએ કહ્યું કે વિહિપ લાંબા સમયથી માંગ કરી રહ્યું છે કે હિંદુ મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળો સરકારી નિયંત્રણમાં ન રહે. તેમણે તિરૂપતી લડ્ડુ પ્રસાદમમાં પ્રાણીની ચરબીના કથિત ઉપયોગને અસહ્ય અને ઘૃણાસ્પદ કૃત્ય ગણાવ્યું અને કહ્યું કે આનાથી સમગ્ર હિંદુ સમાજ વ્યથિત અને દુઃખી છે. હિંદુ સમાજ તેની આસ્થા પર વારંવાર થતા હુમલાને સહન કરશે નહીં.
વિહીપના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે, આ મુદ્દા પર અમારૂ વલણ સ્પષ્ટ છે કે સરકારોએ મંદિરો અને તેમની સંપત્તિ હિંદુ સમાજને સોંપવી જોઈએ. મંદિરોના વાસ્તવિક ટ્રસ્ટી હિન્દુઓ છે, સરકારો નહીં.