દિલ્હીમાં ફટાકડા ફોડવા મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકાર અને પોલીસની ધૂળ કાઢી નાંખી
સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે દિલ્હી સરકાર અને પોલીસને ફટકાર લગાવી છે અને પૂછ્યું છે કે ફટાકડા પર પ્રતિબંધ મૂકવા માટે તેઓએ શું પગલાં લીધાં છે. કોર્ટે કહ્યું કે ફટાકડા પર પ્રતિબંધ લગાવવાના આદેશનું ઉલ્લંઘન થયું છે અને કાયદો તોડનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ.
દિલ્હીમાં પ્રદૂષણમાં થયેલા જંગી વધારા પર સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ કમિશનર અને દિલ્હી સરકારને ફટાકડા પર પ્રતિબંધ લાગુ કરવા માટે શું પગલાં લીધાં છે તે અંગે જણાવવા કહ્યું છે. એફિડેવિટ પણ દાખલ કરો અને જણાવો કે આવતા વર્ષથી ફટાકડા પરના પ્રતિબંધના સંપૂર્ણ અમલીકરણ અંગે શું પ્રસ્તાવ છે.
જસ્ટિસ એએસ ઓકાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે અખબારમાં પ્રસિદ્ધ થયેલા સમાચારને ટાંકીને કહ્યું કે ફટાકડા પર પ્રતિબંધ મૂકવાના કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. કોર્ટે કહ્યું કે ફટાકડા પરના પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારાઓ સામે શું કાર્યવાહી કરવામાં આવી છે તેની પણ માહિતી આપવામાં આવે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તેમાં કોઈ શંકા નથી કે ફટાકડા પર પ્રતિબંધનો સંપૂર્ણ અમલ થયો નથી. CSE રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે ફટાકડા પર પ્રતિબંધ મૂકવાના આદેશનો અમલ કરવામાં આવ્યો નથી. જેના કારણે રાજધાની દિલ્હીમાં આ વર્ષે દિવાળી પર પ્રદૂષણ ઘણું વધી ગયું છે. આ 2022 અને 2023 કરતાં ઘણું વધારે છે. દિવાળી દરમિયાન પરાળ સળગાવવાના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
જસ્ટિસ ઓકાની આગેવાની હેઠળની બેંચ દિલ્હી અને એનસીઆરમાં વાયુ પ્રદૂષણ અંગે એમસી મહેતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી રહી છે. દિલ્હીમાં ફટાકડા, વાહનો, થાળી સળગાવવા જેવા કારણોથી પ્રદૂષણ વધી રહ્યું છે.