બાંગ્લાદેશમાં હિંસાનો સીલસીલો યથાવત, હવે બૌદ્ધો પર થયા અત્યાચાર
બાંગ્લાદેશના દક્ષિણી પહાડી વિસ્તારમાં બૌદ્ધ લઘુમતીઓ પર અત્યાચારના સમાચાર આવ્યા છે. લઘુમતી હિંદુઓ પછી બૌદ્ધ સમુદાયને નિશાન બનાવાયા છે. આ હિંસામાં ૪ લોકો માર્યા ગયા અને ડઝનેક લોકો ઘાયલ થયા.
ઉત્તરપૂર્વ ભારતની સરહદે આવેલા ચિટાગોંગ હિલ ટ્રેક્ટ્સ (CHT) ના ખાગરાછરી, રંગમતી અને બંદરબનના ૩ પહાડી જિલ્લાઓમાં હિંસા કરવામાં આવી રહી છે. આ વિસ્તારોમાં ઘણા સ્થાનિક આદિવાસી જૂથો રહે છે. જેમાં મોટાભાગના બૌદ્ધિસ્ટ લોકો છે.
ખાગરાછરી અને રંગામતીમાં સળગતા ઘરો અને દુકાનોમાંથી ઘણા પરિવારો ભાગી ગયા છે. હિંસા બાદ અહીં સેના, પોલીસ અને સીમા રક્ષકોને તૈનાત કરવામાં આવ્યા છે.
ચટગાંવ રેન્જ પોલીસના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ અહેસાન હબીબે જણાવ્યું હતું કે, “સ્થિતિ તંગ છે… પોલીસ અને સુરક્ષા દળો સંયુક્ત રીતે પેટ્રોલિંગ કરી રહ્યા છે, એવી આશા છે કે ટૂંક સમયમાં શાંતિ પુનઃસ્થાપિત થઈ જશે.”
મુખ્યત્વે બૌદ્ધ લઘુમતીનાં ઘરો અને દુકાનોને આગ લગાડીને બૌદ્ધ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. બંગાળી ટોળાને ઉશ્કેરવા માટે સ્થાનિક મસ્જિદોમાં સ્થાપિત લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્થાનિક અધિકારીઓએ ખાગરાછરી અને રંગામતીમાં કલમ 144 લાગુ કરી છે.