રાહુલ ગાંધી નફરત ફેલાવી રહ્યા છે- ભાજપ, મનજિંદર સિંહે શીખ વિવાદમાં ઘી હોમ્યું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અમેરિકામાં શીખો વિશેની ટિપ્પણીનો વિવાદ અટકવાને બદલે વકરતો જાય છે. ભાજપના વધુ એક નેતા મનજિંદર સિંહે રાહુલ ગાંધી વિદેશમાં ‘સંવેદનશીલ મુદ્દાઓ’ પર બોલીને નફરત ફેલાવી રહ્યા છે તેવું નિવેદન આપ્યું છે.
રાહુલ ગાંધીના નિવેદનથી બીજેપી નેતા મનજિંદર સિંહ સિરસા નારાજ થયા છે. તેમણે પ્રતિક્રિયા આપી છે કે રાહુલ ગાંધી નફરત ફેલાવી રહ્યા છે. રાહુલે પોતાનો રોટલો રળવા માટે વિદેશમાં રહેતા શીખ સમુદાયમાં જૂઠ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.
મનજિન્દર સિંહ સિરસાએ કહ્યું, “જે દેશમાં શીખો સર્વોચ્ચ હોદ્દા ધરાવે છે અને જેના વડાપ્રધાન દસ્તર પહેરીને ગુરુદ્વારા જાય છે, ત્યાં શીખોને કોઈ પ્રકારનો ડર નથી. રાહુલ ગાંધી માત્ર નફરતના બીજ વાવવા માંગે છે. હું રાહુલ ગાંધીને કહેવા માંગુ છું કે અહમદ શાહ અબ્દાલીથી લઈને અંગ્રેજો સુધીના બધાએ આવા સપના જોયા હતા પરંતુ શીખોએ બધાના સપના ચકનાચૂર કરી દીધા.
સિરસાએ રાહુલ ગાંધી પર વાકપ્રહાર કરતા કહ્યું કે, આજે તમે તમારા સ્વાર્થમાં દેશ અને શીખો પ્રત્યે એટલી હદે આગળ વધી ગયા છો કે તમે તમારા પોતાના ફાયદા માટે કંઈ જોઈ રહ્યા નથી. ભારતમાં શીખોને કોઈ પણ પ્રકારનો ડર નથી. તમે માત્ર ખરાબ વિચાર અને ખરાબ રાજકારણ માટે વિદેશ જઈને આવા નિવેદનો કરી રહ્યા છો.