વડાપ્રધાન મોદીનો જમ્મુ-કાશ્મીરમાં ઝંઝાવાતી પ્રચાર, સુરક્ષિત અને સમૃદ્ધ કાશ્મીરની ગેરંટી આપી
જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે થશે. દરેક પક્ષ અત્યારે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના ડોડામાં જનસભાને સંબોધિત કરી હતી. તેમણે સુરક્ષિત અને સમૃદ્ધ કાશ્મીરની ગેરંટી આપી છે.
કલમ ૩૭૦ દૂર થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં થનાર આ વિધાનસભા ચૂંટણીને મહત્વની અને ઐતિહાસિક ગણવામાં આવી રહી છે. ભાજપ, કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ જેવા અનેક રાજકીય દળો પોતાની વિજય પતાકા લહેરાવવા માટે મથી રહ્યા છે.
આજે ભાજપ તરફથી ખુદ વડાપ્રધાન મોદીએ જમ્મુના ડોડામાં એક જનસભાને સંબોધી હતી. જેમાં તેમણે વિરોધીઓ પર વાકપ્રહાર કરવા ઉપરાંત સુરક્ષિત અને સમૃદ્ધ કાશ્મીરની ગેરંટી આપી છે.
વડાપ્રધાને કહ્યું કે, જમ્મુ-કાશ્મીર વિકાસની નવી ગાથા લખી રહ્યું છે. આ ચૂંટણી આ રાજ્યનું ભાગ્ય લખશે. અમે ટૂંક સમયમાં સુરક્ષિત અને સમૃદ્ધ જમ્મુ-કાશ્મીર બનાવીશું.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં 18, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે ૩ તબક્કામાં મતદાન થશે. જ્યારે 8મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.