મમતા બેનર્જી હડતાળ કરી રહેલા ડોક્ટર્સને મળ્યા, ફરીથી તબીબી સેવા શરૂ કરવા અપીલ કરી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શનિવારે અચાનક કોલકાતામાં જુનિયર ડોક્ટરોના વિરોધ સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે જુનિયર ડોકટરોને કામ પર પાછા ફરવા વિનંતી કરી. સીએમ મમતાએ ખાતરી આપી હતી કે તેઓ તેમની માંગણીઓ પર ધ્યાન આપશે અને જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરશે.
કોલકત્તામાં વિરોધ કરી રહેલા ડોકટરો સોલ્ટ લેક સ્થિત સ્વાસ્થ્ય ભવનમાં ‘અમને ન્યાય જોઈએ છે‘ ના નારા લગાવતા જોવા મળ્યા હતા. સૂત્રોચ્ચાર વચ્ચે મમતા બેનર્જીએ જુનિયર ડોકટરોની અચાનક જ મુલાકાત લીધી હતી.
મમતા બેનર્જીએ ડોક્ટર્સને આશ્વાસન આપ્યું છે કે, તેમની સામે કોઈ કાર્યવાહી કરશે નહીં, કારણ કે તેઓ લોકતાંત્રિક આંદોલનને દબાવવામાં માનતા નથી. તેમણે કહ્યું કે બંગાળ ઉત્તર પ્રદેશ નથી. ડોકટરો વરસાદ વચ્ચે રસ્તા પર વિરોધ કરી રહ્યા છે. તેણીએ કહ્યું, “હું તમને મુખ્યમંત્રી તરીકે નહીં પરંતુ તમારી ‘દીદી‘ તરીકે મળવા આવી છું.”
DGP રાજીવ કુમાર સાથે મમતા બેનર્જી બપોરે લગભગ 1 વાગ્યે સેક્ટર 5માં વિરોધ સ્થળ પર પહોંચ્યા અને ત્યાં હાજર લોકોને આશ્ચર્યચકિત કરી દીધા. તેણીએ વિરોધ કરી રહેલા ડોકટરોને કામ પર પાછા ફરવા વિનંતી કરતા કહ્યું. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે તમામ સરકારી હોસ્પિટલોની દર્દી કલ્યાણ સમિતિઓને તાત્કાલિક અસરથી વિખેરી નાખવામાં આવી છે.