ખૈબર પખ્તુનખ્વામાં આતંકીઓ અને પાકિસ્તાની સેના વચ્ચે લડાઈમાં ૮ સુરક્ષાકર્મીના મૃત્યુ થયા
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકીઓ અને સેના વચ્ચે લડાઈ થઈ રહી છે. પાકિસ્તાની સેનાએ ઓપરેશનમાં ૯ આતંકીઓને ઠાર કર્યા છે. ૮ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા છે. આ ઘટના પાકિસ્તાની સેના માટે આ મોટા નુકસાન બરાબર છે.
પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાની સેનાને મોટો આંચકો લાગ્યો હતો. આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન થયેલી લોહિયાળ અથડામણમાં ઓછામાં ઓછા ૯ આતંકવાદીઓ અને ૮ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા.
સમાચાર આઉટલેટ ખોરાસાન ડાયરીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ખૈબર જિલ્લાની તિરાહ મેદાન ખીણમાં આતંકવાદ વિરોધી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગુપ્ત માહિતીના આધારે આ ઓપરેશનમાં લશ્કર-એ-ઈસ્લામ આતંકવાદી સંગઠનના ૨ ઉચ્ચ હોદ્દાના કમાન્ડર માર્યા ગયા હતા.
ઓપરેશનમાં ૬ આતંકીઓ અને ૭ પાકિસ્તાની સેનાના જવાનો પણ ઘાયલ થયા છે. કેટલાક કલાકો સુધી ચાલેલા ઓપરેશન દરમિયાન જિલ્લામાં ૩ પોઈન્ટ પર સૈનિકો તૈનાત રહ્યા હતા. અહેવાલો અનુસાર કેટલાક સ્થાનિક લોકો પણ ઘાયલ થયા છે. જો કે, વોઈસ ઓફ અમેરિકાએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે જ્યારે સૈનિકો એક ઓપરેશનમાંથી બેઝ પર પાછા ફરી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ તેમના પર હુમલો કર્યો હતો. પાકિસ્તાની સેનાની મીડિયા વિંગે હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.
આ પહેલા શનિવારે ખૈબર પખ્તુનખ્વામાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની ગોળીબારમાં પાકિસ્તાની સેનાના ૧ કમાન્ડો અને ૬ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
Read Also PM Modi welcomed by Indian community in Brazil with Sanskrit prayers