સુપ્રીમ કોર્ટની યુટ્યૂબ ચેનલ હેક થતા હાહાકાર મચી ગયો, દેશની સાયબર સીક્યુરિટી પર ઉઠ્યા સવાલો
ભારતની સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ આજે હેક થતા હાહાકાર મચી ગયો છે. દેશની સર્વોચ્ચ અદાલતની સત્તાવાર યુટયૂબ ચેનલ પર અમેરિકન ક્રિપ્ટોકરન્સીની જાહેરાતો આવતા જ સમગ્ર મામલો સામે આવ્યો છે.
સુપ્રીમ કોર્ટ બંધારણીય બેન્ચ સમક્ષ સૂચિબદ્ધ કેસો અને જનહિત સાથે સબંધિત કેસોની સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ કરવા માટે યુટ્યુબ ચેનલનો ઉપયોગ કરે છે. આ ચેનલ હેકર્સે હેક કરીને અમેરિકન ક્રિપ્ટોકરન્સીની જાહેરાત અપલોડ કરી દીધી છે.
પૂર્વ CJI યુયુ લલિતની અધ્યક્ષતામાં મહત્વની સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાનો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમિંગ પ્રથમ વખત 27 સપ્ટેમ્બર 2022ના રોજ થયું હતું જ્યારે તત્કાલીન CJI એનવી રમણાએ પોતાની નિવૃત્તિના દિવસે 5 કેસમાં ચુકાદો આપ્યો હતો.
જો કે ભારતની સાયબર સીક્યુરિટી આ સમાચાર મળતા જ સતર્ક થઈ ગઈ છે. ભારતનું સાયબર ફ્રોડને ડામતું ડીપાર્ટમેન્ટ આ ઘટના બાદ એકશનમોડમાં આવી ગયું છે અને અધિકારીઓ સઘન તપાસમાં લાગી ગયા છે.