દિવાળી વેકેશનનું મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બન્યું કચ્છ, પ્રવાસીઓનું ઉમટ્યું ઘોડાપૂર
કચ્છમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. લાખો સહેલાણીઓએ દિવાળી વેકેશન માટે કચ્છ પર પસંદગી ઉતારી છે. દર દિવાળીની જેમ આ દિવાળીએ પણ કચ્છના જોવાલાયક સ્થળો જેવા કે પ્રાગમહેલ, કચ્છ મ્યુઝીયમ, આઇના મહલ, સ્મૃતિ વન તેમજ સ્વામીનારાયણ મંદિર વગેરે પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.
દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે કચ્છ સહેલાણીઓ માટે મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન સાબિત થઈ રહ્યું છે. દિવાળી ૨૦૨૪માં કચ્છ ખાતે રાજ્ય-દેશ-વિદેશનાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં છે. સફેદ રણથી લઈ છેક ધોળાવીરા સુધી સર્વત્ર પ્રવાસીઓની જ ભીડ દેખાય છે.
છેલ્લાં 2 દાયકાથી કચ્છ પ્રવાસનના હબ તરીકે ઉભરી રહ્યું છે અને દિવસેને દિવસે પ્રવાસીઓનો ધસારો વધતો જાય છે. દર વર્ષે દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ કચ્છના પર્યટન સ્થળોની મુલાકાત લઇ રહ્યા છે. કચ્છમાં માંડવીનો બીચ હોય કે લખપત વિસ્તારનો માતાના મઢ, નારાયણ સરોવર-કોટેશ્વર મહાદેવ મંદિર હોય કે લખપતનો કિલ્લો સર્વત્ર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. વૈશ્વિક ધરોહર ધોળાવીરા ખાતે પણ પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. કચ્છમાં ફરવા આવતાં પ્રવાસીઓ મોટાભાગે ભુજમાં જ રોકાતાં હોય છે અને સવાર પડે અને ભુજનાં જોવાલાયક સ્થળો પર ઉમટી પડે છે.
જિલ્લાનું મુખ્ય મથક ભુજ જાણે કે કોઈ ફેમસ ટૂરીસ્ટ સ્પોટમાં ફેરવાઈ ગયું હોય તેવું ભાસી રહ્યું છે. ભુજમાં આવેલ પ્રાગમહેલ, કચ્છ મ્યુઝીયમ, આઇના મહલ, સ્મૃતિ વન તેમજ સ્વામીનારાયણ મંદિર સહિતના સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.
Read Also ગુજરાતના ૪૧ સાંકડા પુલોને પહોળા કરવામાં આવશે, કુલ ૨૦ માર્ગો પર હળવો થશે ટ્રાફિક