યુપીના બહરાઈચમાં હિંસાને કાબૂમાં લેવા મુખ્યમંત્રી યોગીએ કડક નિર્ણયો લીધા
ઉત્તર પ્રદેશના બહરાઈચમાં હિંસા અટકવાનું નામ લેતી નથી. તેથી હિંસાગ્રસ્ત પરિસ્થિતિને કાબૂમાં લેવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેટલાક કડક નિર્ણયો લીધા છે. તેમણે આ વિસ્તારનું ઈન્ટરનેટ બંધ કરાવી દીધું છે. આ ઉપરાંત કડક પોલીસ બંદોબસ્ત લાદી દીધો છે.
બહરાઇચના મહારાજાગંજ માર્કેટમાં બેકાબૂ ટોળાએ હીરો મોટરસાઇકલના શોરૂમને આગ ચાંપી દીધી હતી. એક કારને પણ આગ ચાંપવામાં આવી હતી. બીજી તરફ ગોળીબારમાં માર્યા ગયેલા યુવક રામ ગોપાલ મિશ્રાના પરિવારજનો આરોપીઓની ધરપકડની માંગ પર અડગ છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ તેમના પુત્રના મૃતદેહના અંતિમ સંસ્કાર નહીં કરે.
બહરાઈચમાં દુર્ગા મૂર્તિ વિસર્જનને લઈને ચાલી રહેલી હિંસા હજુ અટકી નથી. સોમવારે સવારે મહારાજગંજ વિસ્તારમાં લોકોએ ફરી હંગામો મચાવ્યો હતો. આરોપીઓની ધરપકડની માંગ કરતા લોકોએ મહારાજગંજ માર્કેટમાં કાર સહિત અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. ટોળાએ હીરો મોટરસાઇકલના શોરૂમને આગ ચાંપી દીધી હતી.
દરમિયાન લખનૌમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહત્વની બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે નિર્દેશ આપ્યો કે જો જરૂર પડે તો લખનૌથી વરિષ્ઠ અધિકારીઓને પણ બહરાઈચ મોકલવામાં આવે. બીજી તરફ વધતા તણાવને જોતા બહરાઈચમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
લખનૌમાં સવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ડીજીપી પ્રશાંત કુમાર સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે ડીજીપી પાસેથી બહરાઈચની સ્થિતિ વિશે માહિતી લીધી હતી. બીજી તરફ રવિવારે રાત્રે થયેલા ફાયરિંગની ઘટનામાં માર્યા ગયેલા યુવક રામ ગોપાલ મિશ્રાના પરિવારજનો આરોપીઓની ધરપકડની માંગ પર અડગ છે. પોલીસે આ મામલામાં દસ લોકો વિરુદ્ધ FIR નોંધી છે. જેમાં અબ્દુલ હમીદ, સરફરાઝ, ફહીમ, સાહિર ખાન, નાનકાઉ અને મારફ અલીના નામ સામેલ છે. ચાર આરોપીઓ અજાણ્યા છે. પોલીસે અત્યાર સુધીમાં 30 લોકોની અટકાયત કરી છે.
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે બહરાઈચના મહસીમાં વાતાવરણ બગાડનારાઓને બક્ષવામાં આવશે નહીં. તેમણે વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. તેમણે અધિકારીઓને બદમાશોની ઓળખ કરવા અને તેમની સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે બહરાઈચના મહારાજગંજ માર્કેટમાં મૂર્તિ વિસર્જન દરમિયાન કેટલાક લોકોએ પથ્થરમારો કર્યા બાદ બે સમુદાયના લોકો સામસામે આવી ગયા હતા. રોષે ભરાયેલા ટોળાએ માર્કેટમાં તોડફોડ કરી હતી. ઘટના બાદ ભારે પોલીસ બંદોબસ્ત સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો છે.