કોંગ્રેસના ભાજપ પર આકરા વાકપ્રહાર, રાહુલને ચૂંટણી પ્રચાર કરતા ભાજપ અટકાવી રહી છે…
ઝારખંડમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ઉડતા અટકાવવામાં આવ્યું હતું. આ ઘટના વડાપ્રધાન મોદીની દેવઘરની મુલાકાતના કારણે બની હતી, જેના કારણે આ વિસ્તારને નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે આ ઘટના સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે અને તેને ચૂંટણી પ્રચારમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ ગણાવ્યો છે.
ઝારખંડમાં પ્રચાર કરવા પહોંચેલા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને થોડા કલાકો માટે રોકી દેવામાં આવ્યું હતું. વાસ્તવમાં, પીએમ મોદી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા બિહારના જમુઈ આવ્યા હતા. તેમનું વિમાન દેવઘર એરપોર્ટ પર લેન્ડ થયું અને ત્યાર બાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા જમુઈ પહોંચ્યા. પીએમની મુલાકાતને કારણે દેવઘરને નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો હતો.
આ સ્થિતિમાં રાહુલને ઉડાન ભરવાની પરવાનગી મળવામાં વિલંબ થવાને કારણે કોંગ્રેસ લાલ થઈ ગઈ હતી. અગાઉ શિવસેના (UBT) અને ઝારખંડ મુક્તિ મોરચાએ પણ ભાજપ પર ચૂંટણી પ્રચારમાં જાણીજોઈને અવરોધ કરવાનો આરોપ લગાવ્યો હતો.
ઝારખંડના મંત્રી અને કોંગ્રેસ નેતા દીપિકા પાંડે સિંહે રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને એર ટ્રાફિક કંટ્રોલ (ATC) તરફથી મંજૂરી મેળવવામાં વિલંબ પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસ નેતાએ સવાલ ઉઠાવ્યો કે શું આ દેશમાં મુક્તપણે પ્રચાર કરવાનો અધિકાર માત્ર વડાપ્રધાનને જ અનામત છે. તેમણે કહ્યું કે દેશના ટોચના વિપક્ષી નેતાને હેલિકોપ્ટરમાં એક કલાકથી વધુ સમય સુધી રાહ જોવડાવી હતી.
દીપિકા પાંડેએ કહ્યું, મને સમજાતું નથી કે ભાજપ આવું કેમ કરી રહ્યું છે. તેઓએ અમારા બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા. તેઓએ લોકસભામાં અમારા માટે અવરોધો ઉભા કર્યા અને હવે અમને સમાન ધોરણે ચૂંટણી લડતા અટકાવવાના અમારા પ્રચાર પ્રયાસોમાં અવરોધ ઊભો કરી રહ્યા છે.