અયોધ્યા દીપોત્સવમાં બનશે વર્લ્ડ રેકોર્ડ, કુલ ૨૮ લાખ દીવાઓથી શણગારાશે રામનગરી
રામનગરી અયોધ્યામાં 3-દિવસીય દીપોત્સવ દરમિયાન 30મી ઓક્ટોબરની સાંજે દીવાઓ પ્રગટાવવામાં આવશે. આ દીવા ૨૮ લાખ જેટલા હોવાનું કહેવાઈ રહ્યું છે. જેની તૈયારીઓ છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહી છે. અયોધ્યાનો આ દીપોત્સવ વર્લ્ડ રેકોર્ડ બનાવશે.
લગભગ 500 વર્ષ બાદ રામલલા પોતાના મંદિરમાં સ્થાયી થયા બાદ આ વખતે રામનગરીની દિવાળી અનેક રીતે ખાસ છે. દર વર્ષની જેમ આ વખતે પણ પ્રકાશના પર્વની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. 28મી ઓક્ટોબરથી સાંસ્કૃતિક કાર્યક્રમો પણ શરૂ થયા છે. સરયુ ઘાટથી લઈને મઠો અને મંદિરો સુધી દીવાઓ પ્રગટાવામાં આવશે. કુલ 55 ઘાટ પર 28 લાખ દીવા લગાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. 30મી ઓક્ટોબરની સાંજે આ દીવાઓ પ્રગટાવતા નવો વર્લ્ડ રેકોર્ડ બનશે.
દર વર્ષે રામનગરીમાં પ્રકાશનો મહાપર્વ દિવાળી ધામધૂમપૂર્વક ઉજવાય છે. લાખો દીવા પ્રગટાવીને વિશ્વ વિક્રમ સર્જાય છે. આ વખતે પણ દીપોત્સવના આઠમા વર્ષમાં ૨૮ લાખ દીવડાઓ પ્રગટાવીને નવો વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે લગભગ 28 લાખ દીવા લગાવવામાં આવ્યા છે. અવધ યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજો અને આંતર કોલેજોના 30 હજાર સ્વયંસેવકો કાળઝાળ ગરમીમાં સખત મહેનત કરી રહ્યા છે.
રામ પથને ફૂલોથી સજાવવાની તૈયારીઓ ચાલી રહી છે. રસ્તાઓ અને ફૂટપાથ ધોવાઈ રહ્યા છે. મેયર ગિરીશપતિ ત્રિપાઠીએ જણાવ્યું કે દીપોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર અયોધ્યાને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી રહી છે. આ વખતે મહાનગરપાલિકા દ્વારા સમગ્ર રામપથને ફૂલોથી શણગારવામાં આવી રહ્યો છે. અમે કલયુગમાં ત્રેતાયુગનું વાતાવરણ બનાવવાના સંકલ્પ સાથે કામ કરી રહ્યા છીએ.