‘બિહાર કોકિલા’ શારદા સિંહાના પાર્થિવ દેહને પટના લવાયો, રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર
‘બિહાર કોકિલા’નું બિરૂદ પામેલા શારદા સિન્હાને પટનામાં રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે. જાણીતી લોક ગાયિકા શારદા સિન્હાનું મંગળવારે રાત્રે દિલ્હી AIIMSમાં નિધન થયું હતું. તેણી 72 વર્ષની હતી. આજે તેમના પાર્થિવ દેહને પટનામાં લવાયો છે જ્યાં તેમના અંતિમ દર્શન કરી શકાશે.
શારદા સિંહાને મલ્ટીપલ માયલોમા (બ્લડ કેન્સરનો એક પ્રકાર) માટે સારવાર આપવામાં આવી રહી હતી. બાદમાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. શારદા સિન્હાના છઠ પૂજા ગીતો પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય હતા. ચાર દિવસીય છઠ તહેવારના પ્રથમ દિવસે તેમનું અવસાન થતા બિહારવાસીઓ શોકમગ્ન બન્યા છે. તેમના દ્વારા ગાયેલા ગીતો દરેક છઠ ઘાટ પર વગાડવામાં આવે છે.
શારદા સિન્હાના પાર્થિવ દેહને દિલ્હીથી પટના લાવવામાં આવ્યો હતો. તેમના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. છઠના પહેલા દિવસે (મંગળવારે મોડી રાત્રે) દિલ્હી એમ્સમાં તેમનું અવસાન થયું. છઠ પર ગાયેલા તેમના ગીતો ખૂબ જ પ્રખ્યાત છે. આ ફેસ્ટિવલના પહેલા જ દિવસે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના પાર્થિવ દેહને ફ્લાઈટ દ્વારા પટના લાવવામાં આવ્યો હતો. તેને અંતિમ દર્શન માટે પટનામાં રાખવામાં આવશે.
આવતીકાલે (ગુરુવારે) સવારે 8 વાગ્યા બાદ ગુલબી ઘાટ ખાતે શારદા સિન્હાને રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે. રાષ્ટ્રપતિ મુર્મુ, પીએમ મોદી અને સીએમ નીતિશ ઉપરાંત ઘણા રાજ્યોના રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓએ શારદા સિન્હાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શારદા સિંહા દ્વારા ગાયેલા મૈથિલી અને ભોજપુરી લોકગીતો ઘણા દાયકાઓથી ખૂબ જ લોકપ્રિય છે. છઠ પર્વ સંબંધિત તેમના ગીતો હંમેશા ગુંજતા રહેશે.