દિલ્હીમાં કેજરીવાલ પર હુમલો થતા ચકચાર મચી ગઈ, આપે ભાજપ પર લગાવ્યો મોટો આરોપ
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર શુક્રવારે સાંજે કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. AAPનો આરોપ છે કે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિકાસપુરી વિસ્તારમાં પદયાત્રા પર હતા ત્યારે ભાજપના યુવા કાર્યકરોએ તેમના પર કથિત રીતે હુમલો કર્યો હતો. આ દરમિયાન વિરોધીઓએ ‘ડાઉન વિથ કેજરીવાલ’ના નારા લગાવતા કાળા ઝંડા બતાવ્યા હતા.
AAPનો આરોપ છે કે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિકાસપુરી વિસ્તારમાં પદયાત્રા પર હતા ત્યારે ભાજપના યુવા કાર્યકરોએ તેમના પર કથિત રીતે હુમલો કર્યો હતો. જેના કારણે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આ પછી પોલીસે યુવકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, આ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી.
આ ઘટના અંગે સીએમ આતિશીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું, “ભાજપ જાણે છે કે તેઓ ચૂંટણીમાં કેજરીવાલને હરાવી શકતા નથી, તેથી તેઓ તેને મારવા માંગે છે. પહેલા ભાજપે જેલમાં અરવિંદ કેજરીવાલની દવા બંધ કરી દીધી જેથી તેઓ મૃત્યુ પામે.”
આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે જ્યારે અરવિંદ કેજરીવાલ પદયાત્રા પર હતા ત્યારે કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. પરંતુ પોલીસે આ વાતને નકારી કાઢી છે. જો કે એ વાત સામે આવી રહી છે કે કેજરીવાલને કાળો ઝંડો દેખાડનાર યુવકની ઓળખ કરીને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.