જમ્મુના અખનૂર સેક્ટરમાં ૩ આતંકીઓ ઠાર મરાયા, મૃતકોએ એમ્બ્યુલન્સ પર કર્યો હતો હુમલો
જમ્મુના અખનૂર સેક્ટરમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. આતંકવાદીઓના એક જુથે એમ્બ્યુલન્સ પર હુમલો કર્યો અને સંતાઈ ગયા હતા. એનએસજી કમાન્ડોની એક વિશેષ ટીમે સુરક્ષાદળો સાથે ઓપરેશન કરીને ૩ આતંકવાદીઓને ઠાર કર્યા છે.
જમ્મુના અખનૂર સેક્ટરમાં સોમવારે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ મંગળવારે સવાર સુધી ૩ આતંકવાદીઓને ઠાર કર્યા છે. એન્કાઉન્ટર સોમવારે સવારે 7 વાગ્યે શરૂ થયું જ્યારે આતંકવાદીઓના એક જૂથે આર્મી એમ્બ્યુલન્સને નિશાન બનાવી. સેના દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આખી રાત સતત સર્ચ ઓપરેશન બાદ આજે સવારે ભીષણ ગોળીબાર થયો હતો, જેમાં અમારા સુરક્ષા દળોની જીત થઈ હતી.
સેનાના વ્હાઇટ નાઈટ કોર્પ્સ દ્વારા એક્સ પર જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશનમાં ૩ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. યુદ્ધમાં વપરાતા શસ્ત્રોનો ભંડાર રિકવર કરવામાં પણ ઓપરેશન સફળ રહ્યું છે. સેનાએ પોતાના નિવેદનમાં આ ઓપરેશનને વિસ્તારમાં સુરક્ષા જાળવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે.
સોમવારે અખનૂર સેક્ટરના બટ્ટલ વિસ્તારમાં આતંકીઓએ સેનાના કાફલા પર ગોળીબાર કર્યા બાદ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે સોમવારે સવારે જમ્મુ શહેરથી 28 કિમી દૂર અખનૂરના સુંદરબની સેક્ટરમાં એલઓસી નજીક બટ્ટલ કેરી-જોગવાનમાંથી પસાર થઈ રહેલા સેનાના કાફલામાં સામેલ સૈન્ય એમ્બ્યુલન્સ પર થયેલા હુમલા બાદ જવાબી કાર્યવાહીમાં ૩ આતંકવાદી માર્યા ગયા હતા.