રાજ્યના પૂર પીડિતોને રૂપિયા 8.04 કરોડની કેશડોલ્સ (રોકડ સહાય) ચૂકવાઈ
સમરીઃ
ભારે વરસાદથી અતિ પ્રભાવિત જિલ્લાઓમાં જનજીવન ઝડપભેર પૂર્વવત થાય અને અસરગ્રસ્ત જરૂરતમંદ પરિવારોને કેશડોલ્સ અને ઘરવખરી સહાયની ચૂકવણી પણ ત્વરાએ થાય તે અંગે જિલ્લા કલેકટરોને ભુપેન્દ્ર પટેલે આદેશ કર્યા છે.
સ્ટોરીઃ
ગુજરાતના ૧૪ જિલ્લાના ૧.૬૯ લાખથી વધુ નાગરીકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશથી રૂ. ૮.૦૪ કરોડની કેશડોલ્સ ચૂકવાઈ છે. જ્યારે ૨૨ મૃતકોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી કુલ રૂ. ૮૮ લાખની સહાય ચૂકવાઈ છે. ઘરવખરી અને કપડા સહાય માટે અત્યાર સુધીમાં ૫૦,૧૧૧ પરિવારોને રૂ. ૨૦.૦૭ કરોડથી વધુ રકમ ચૂકવાઈ છે.
ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ્સ અને ઘરવખરી સહાયની નિયમાનુસારની ચુકવણી પ્રક્રિયા અસરગ્રસ્તોનો સરવે કરીને હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યના વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા, નવસારી અને પોરબંદર, મોરબી તથા વલસાડ જિલ્લાઓમાં કુલ ૧૧૨૦ ટીમ દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ જિલ્લાઓમાં તા. ૩ સપ્ટેમ્બર સુધીમાં ૧,૬૯,૫૬૧ વ્યક્તિઓને કુલ રૂ. ૮.૦૪ કરોડ રકમ કેશડોલ્સ પેટે ચૂકવવામાં આવી છે. માનવ મૃત્યુના કિસ્સામાં ૨૨ મૃતકોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી કુલ રૂ. ૮૮ લાખની સહાય ચૂકવવામાં આવી છે. સાથે જ પશુ મૃત્યુના કિસ્સામાં મૃત્યુ પામેલા ૨,૬૧૮ પશુઓના માલિકોને કુલ રૂ. ૧.૭૮ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.