ગોપાલ ઈટાલિયાનો હેડ કોન્સ્ટેબલની બઢતી વિવાદ, ઈટાલિયાએ હર્ષ સંઘવી પર કર્યો કટાક્ષ
સમરીઃ
સર્વવિદિત છે કે આમ આદમી પાર્ટી નેતા ગોપાલ ઈટાલિયાએ કોન્સ્ટેબલ તરીકે રાજીનામુ આપી દીધા બાદ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જો કે હવે ગુજરાત પોલીસ તરફથી કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલની ભરતીની જાહેરાતમાં ગોપાલ ઈટાલિયાનું નામ આવવાથી રાજકારણ ગરમાયું છે. ગોપાલ ઈટાલિયાએ રાજ્યના ગૃહમંત્રીને ૮ પાસ ગણાવીને કટાક્ષ કર્યો છે.
સ્ટોરીઃ
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ ગૃહ વિભાગની બેદરકારી વિશે ટ્વીટ કરી છે. ગુજરાત પોલીસમાંથી રાજીનામું આપી ચૂકેલા ગોપાલ ઈટાલિયાને ગુજરાત પોલીસે પ્રમોશન આપ્યું છે. આ સાથે જ તેમણે પ્રમોશનના લિસ્ટમાં પોતાના નામ સાથેની ટ્વીટ કરી હતી.
ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, વર્ષ-2015માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ-2024માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર-726 પર મારું નામ સામેલ કરીને મને હેડકોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું. આ ટ્વીટમાં હર્ષ સંઘવી પર ઈટાલિયાએ કટાક્ષ કર્યા હતા.
નાયબ પોલીસ કમિશનર, કંટ્રોલ રૂમ અમદાવાદ શહેર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, તાજેતરમાં અમદાવાદ શહેરમાં 137 હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ. તરીકે બઢતી આપવામાં આવેલ. અને પોલીસ કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ તરીકેની બઢતી આપી તાત્કાલિક જગ્યાઓ ભરવા સૂચના આપેલ. જેથી આ બઢતી આપવા માટે કુલ 887 નામો પ્રવર્તતા યાદીના આધારે રૂટીન મુજબ વિગત મંગાવેલ, જે બઢતી માટેની પ્રક્રિયાનો એક ભાગ હતો. બઢતી આપવા માટે આ 887 કર્મચારીઓ વિરૂદ્ધમાં કોઈ ખાતાતીય તપાસ / ફોજદારી / એસીબી ચાલુ છે કે કેમ? તેની માહિતી 48 કલાકમાં મોકલી આપવા તા. 02-08-2024ના રોજની યાદીથી જણાવવામાં આવેલ.
આ નામોમાં તા. 11/01/2012 સુધીમાં અમદાવાદ શહેરમાં હાજર થયેલ તમામ પોલીસ કોન્સ્ટેબલના નામોનો સમાવેશ કરવાનો થતો હોઈ અને ગોપાલ ઈટાલિયા વર્ષ 2012માં પોલીસ ખાતામાં હાજર થતા હોઈ, તે યાદીમાં તેમનું નામ છે. પરંતુ તેમના નામની સામે કોઈ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવેલ નથી. જેથી સ્પષ્ટ રીતે જણાવવામાં આવે છે કે, ગોપાલ ઈટાલિયાને બઢતી તરીકે પ્રમોશન આપવામાં આવેલ નથી.