ગુજરાત સરકાર યોજશે ‘સાગરખેડૂ સાયકલ રેલી’, સાગરકાંઠા નિવાસીઓની જિંદગી વિશે જાણી શકાશે વધુ બારીકાઈથી
સમરીઃ
ગુજરાત સરકારે સાગરકાંઠે વસતા નાગરિકોનું જીવન, કળા-કૌશલ્ય અને સંસ્કૃતિને વધુ બારીકાઈથી યુવકો જાણી શકે તે માટે ‘સાગરખેડૂ સાયકલ રેલી’નું આયોજન કરવાનું નક્કી કર્યુ છે. નવેમ્બર 2024માં આ સાયકલ રેલી યોજાશે.
સ્ટોરીઃ
દરિયા કિનારે વસતી માનવ વસાહતનું લોકજીવન કેવું છે તે યુવકો સારી રીતે જાણી શકે, સમજી શકે તે માટે ગુજરાત સરકારે ‘સાગરખેડૂ સાયકલ રેલી’નું આયોજન કર્યુ છે. આ સાયકલ રેલી નવેમ્બર 2024માં યોજાશે.
આ સાયકલ રેલીમાં સહભાગી થવા માટે રાજ્યના 15 થી 35 વર્ષના યુવક-યુવતીઓ આગામી તારીખ 31મી ઓગસ્ટ સુધી અરજી કરી શકશે. આ સાયકલ રેલી જામનગર, આણંદ અને વલસાડ જિલ્લામાં યોજાશે. આ માહિતી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીએ જાહેર કરી છે.
યુવક-યુવતીઓએ જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી નિયત નમૂનાના અરજી ફોર્મમાં દર્શાવેલી તમામ વિગતો ભરીને, તેની સાથે શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું તબીબી પ્રમાણપત્ર, વાલીની સંમતિ, પાસપોર્ટ સાઇઝનો ફોટો વગેરે જમા કરાવવાનું રહેશે.
પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા યુવક-યુવતિઓની પસંદગી કરવામાં આવશે. પસંદગી પામેલ યુવક-યુવતિઓને પસંદગી અંગે ટેલીફોનિક જાણ કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન નિવાસ, ભોજન તથા કાર્યક્રમ સ્થળે આવવા જવાનો પ્રવાસ ખર્ચ તેમજ ભાગ લેવા બદલ રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.