ગુજરાતના વાતાવરણમાં પલટોઃ કઈ કઈ જગ્યાએ પડ્યો વરસાદ? જાણો વિગત
અમદાવાદઃગઈ કાલથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે આવતા સપ્તાહે વરસાદની વકી છે. સુરત-વલસાડ-ભાવનગર-ગીર સોમનાથમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબદર જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. બરડા અને રાણાવાવ પંથકમાં વહેલી સવારે વાદળછાયું વતાવરણ સર્જાયું હતું. તેમજ આ પછી બરડા અને રાણાવાવની પાવ સીમમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદી ઝાપટાથી ખેડૂતો ચિંતિત થયા છે. આ સાથે દાહોદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. ગઈ કાલે રાત્રે આણંદના તારાપુર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જિલ્લાના આણંદ, ખંભાત, બોરસદ, તારાપુર તાલુકામાં વરસાદ પડ્યો હતો. જોકે, ભર ઉનાળે વરસાદ થતાં બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. બીજી તરફ વરસાદ સાથે પવન ફૂંકાતા લોકોને ગરમીથી રાહત મળી હતી. વડોદરામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. શહરે અને જીલ્લામાં રાત્રે ધીમીધારે વરસાદ પડ્યો હતો. શહેરના ગોત્રી, ફતેગંજ, હરિનગર, તાંદલજા, વાસણા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.