અવનવી રાખડીઓની કિંમતમાં આ વર્ષે 15 ટકા જેટલો વધારો હોવા છતાં બજારોમાં જામી રહી છે ભીડ
સમરીઃ
મોંઘવારીએ માઝા મુકી છે તેથી જીવનજરુરી દરેક ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. જીવનજરુરી ઉપરાંત તહેવાર અને ઉત્સવોને લગતી વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે. જેમાં રક્ષાબંધનનું પ્રતીક એવી રાખડીઓ પણ બાકાત નથી.
સ્ટોરીઃ
રક્ષાબંધનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારોમાં રાખડીઓની ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે. રાખડીએ ભાઈ બહેનના પર્વ એવા રક્ષાબંધનનું પ્રતીક છે. દરેક બહેન પોતાના ભાઈ માટે મનગમતી રાખડી ખરીદે છે. બહેનો આ રાખડી માટે વધુ નાણાં પણ ખર્ચતી જોવા મળી રહી છે.
મોંઘવારીને લીધે દરેક ચીજ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે જેમાંથી રાખડી પણ બાકાત નથી. આ વર્ષે રાખડીના ભાવોમાં અંદાજિત 15 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. બાળકોથી લઈ મોટેરાઓ સુધીની રાખડીના ભાવમાં વધારો થયો છે. જો કે આ ભાવ વધારો હોવા છતાં બહેનો પોતાના ભાઈઓ માટે મોં માંગ્યા દામ ચૂકવીને પણ રાખડીની ખરીદી કરી રહી છે.
બજારમાં અવનવી આકર્ષક ડિઝાઈનવાળી સીમ્પલ, ફેન્સી, ભાભી રાખડી, સુખડ, ઓસ્ટ્રેલિયન, ક્રિસ્ટલ, કોરીયન, મેટાલીક, પારાની રૂદ્રાક્ષ, તુલસી, બ્રેસલેટ રાખડી, બાળકો માટે સુપરમેન, બેટમેન, સ્પાઈડરમેન તેમજ અન્ય કાર્ટુન કેરેક્ટરવાળી રાખડીઓ પણ ધૂમ વેચાઈ રહેલ છે.