૭૦મો નેશનલ ફિલ્મ એવોર્ડસ સમારોહ યોજાયો, શા માટે વર્ષ ૨૦૨૨ની ફિલ્મોના સંદર્ભે અપાયા એવોર્ડ્સ, જાણો વિગતવાર
ભારતીય સિનેમાના સૌથી મોટા ઉત્સવ સમા 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની અર્પણ વિધિ આજે 8મી ઓક્ટોબરે યોજાઈ હતી. જેમાં ભારતીય સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મ નિર્માતાઓ, અભિનેતાઓ અને અભિનેત્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સમાજમાં ફિલ્મોની અસર સંદર્ભે વક્તવ્ય આપ્યું હતું.
આજે ૮મી ઓક્ટોબરે નેશનલ ફિલ્મ એવોર્ડ્સની ૭૦મી શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય સીને જગતની શ્રેષ્ઠ ફિલ્મ નિર્માતાઓ, અભિનેતાઓ અને અભિનેત્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ રાષ્ટ્રીય પુરસ્કારોની જાહેરાત આ વર્ષે 16 ઓગસ્ટ 2024ના રોજ કરવામાં આવી હતી.
આ પુરસ્કારો વર્ષ 2022ની ફિલ્મો માટે આપવામાં આવી રહ્યા છે કારણ કે તે કોવિડ 19ને કારણે મુલતવી રાખવામાં આવ્યા હતા. આ પુરસ્કારોનું આયોજન નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે કરવામાં આવ્યું હતું. જ્યાં સિનેમામાં યોગદાન બદલ ફિલ્મી હસ્તીઓનું રાષ્ટ્રપતિ દ્વારા સન્માન કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સમાજમાં ફિલ્મોની અસર સંદર્ભે વક્તવ્ય આપ્યું હતું. તેમણે કહ્યું કે, સામાજિક પરિવર્તન લાવવામાં ફિલ્મો અને સોશિયલ મીડિયાનું મહત્વ અનેરૂ છે. ‘હું માનું છું કે સમાજમાં પરિવર્તન લાવવા માટે ફિલ્મો અને સોશિયલ મીડિયા શક્તિશાળી માધ્યમ છે. આ માધ્યમો સમાજ પર સૌથી ઊંડી અસર કરે છે. તેમણે મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે દાદાસાહેબ ફાળકે એવોર્ડ માટે મિથુન ચક્રવર્તીની પસંદગી કરવામાં આવી છે. ઋષભ શેટ્ટી (કાંતારા)ને શ્રેષ્ઠ અભિનેતા માટે, નિત્યા મેનન અને માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રી માટે પસંદ કરવામાં આવ્યા છે, અત્તમને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે પસંદ કરવામાં આવી છે.