અમેરિકી એજન્સીઓએ આરોપ લગાવ્યો છે કે ઈરાની હેકર્સે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચારના ઈમેઈલની ચોરી કરી છે. ઈરાન ઈમેલ હેક કરીને કમલા હેરિસને ચૂંટણી જીતવામાં મદદ કરી રહ્યું છે. જો કે ઈરાને આ આરોપોને સદંતર વખોડી કાઢ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પનું નસીબ તેમણે સાથ આપી રહ્યું નથી. તેમના પર ૩ મહિનામાં ૩ જીવલેણ હુમલા થયા છે. હવે તેમના ચૂંટણી પ્રચારની વ્યૂહરચના દર્શાવતા ઈમેલ હેક થઈ ગયાના સમાચાર સામે આવ્યા છે.
અમેરિકન એજન્સીઓએ આ કામ ઈરાનનું હોવાનો આરોપ મુક્યો છે. એજન્સીઓ અનુસાર ઈરાન ઈમેલ હેક કરીને કમલા હેરિસ અને જો બાઈડેનની મંડળી સુધી પહોંચાડે છે જેનાથી કમલા હેરિસને ચૂંટણી જીતવામાં મદદ મળી રહે. જો કે ઈરાને આ આરોપોને વખોડી કાઢ્યા છે.
ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન સાયબર સિક્યુરિટી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યુરિટી એજન્સી અને નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટરના કાર્યાલયે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, “ઇરાનના હેકર્સે જૂનથી રાષ્ટ્રપતિ ટ્રમ્પના ચૂંટણી અભિયાનની માહિતી દર્શાવતા ઈમેલ હેક કર્યા છે.
ઓગસ્ટ ૨૦૨૪માં પણ અમેરિકાએ ઈરાન પર આરોપ લગાવ્યો હતો કે તે અમેરિકી રાષ્ટ્રપતિ પદના બંને ઉમેદવારોના અભિયાનો વિરુદ્ધ ઈરાન સાયબર ઓપરેશન શરૂ કરી રહ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાને જણાવ્યું છે કે, અમેરિકાના આ આરોપો મૂળભૂત રીતે પાયાવિહોણા અને સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. ઈરાનનો અમેરિકન ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો ન તો કોઈ હેતુ છે કે ન તો ઈરાદો.