અમેરિકા પર ટોર્નેડો મિલ્ટનનો તોળાઈ રહેલો ખતરો, ફ્લોરિડામાં વિનાશ વેરાશે
અમેરિકામાં વિનાશક ટોર્નેડો(વાવાઝોડું) મિલ્ટન ત્રાટકવાનું છે. આ હવાઈ તોફાન મેક્સિકોના અખાતમાં સર્જાયું છે. જે અમેરિકાના ફ્લોરિડા રાજ્યના પશ્ચિમ કિનારા તરફ આગળ વધી રહ્યું છે. નાગરિકોને સલામતી અંગે ચેતવણી પણ અપાઈ ચૂકી છે.
અમેરિકામાં વિનાશકારી વાવાઝોડું મિલ્ટન તબાહી મચાવે તેવા એંધાણ છે. હરિકેન મિલ્ટન અમેરિકાના ફ્લોરિડાના પશ્ચિમ કિનારા તરફ આગળ વધી રહ્યું છે. થોડું નબળું પડ્યું હોવા છતાં, તે મેક્સિકોના દક્ષિણ-પશ્ચિમ અખાતમાં કેટેગરી ૫નું વાવાઝોડું છે. તેના કારણે ભારે તારાજી સર્જાવાની આશંકા છે.
નેશનલ હરિકેન સેન્ટર (NHC)ના આગાહીકારોએ જણાવ્યું હતું કે, હરિકેન મિલ્ટન ફ્લોરિડા માટે સૌથી વિનાશક વાવાઝોડું બનવાની ક્ષમતા ધરાવે છે. અત્યારે તોફાનના કારણે ૨૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
ફ્લોરિડાના લગભગ સમગ્ર પશ્ચિમ કિનારા માટે વાવાઝોડાની ચેતવણી જાહેર કરી દેવાઈ છે. દક્ષિણ પશ્ચિમ ફ્લોરિડામાં પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે. ટેમ્પા ખાડી સહિતના કેટલાક વિસ્તારોમાં 10-15 ફૂટના વાવાઝોડાની સંભાવના છે. કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટીના હવામાનશાસ્ત્રી ફિલ ક્લોટ્ઝબેચે જણાવ્યું હતું કે, ટેમ્પા મેટ્રો વિસ્તાર માટે હરિકેનનું સ્તર વિનાશક હશે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવશે.
ટેમ્પા હજુ પણ હરિકેન હેલેનને કારણે થયેલા વિનાશમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ વાવાઝોડાએ ૨ અઠવાડિયા પહેલા ભારે તબાહી મચાવી હતી. જેના કારણે ૨૨૭ લોકોના મોત થયા છે. આ તોફાનમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને બહાર કાઢવાનું કામ એક અઠવાડિયા પછી પણ ચાલી રહ્યું છે. લોકો પોતાનો જીવ બચાવવા વિસ્તાર છોડી રહ્યા છે.