પાકિસ્તાનમાં ફોરેન ડેલિગેટ્સ પર આતંકી હુમલો, આંતરરાષ્ટ્રીય સ્તરે આબરૂ ખરડાઈ
પાકિસ્તાનમાં ફોરેન ડેલિગેટ્સ પર આતંકવાદી હુમલો થતા પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તરે આબરૂ ખરડાઈ છે. આ હુમલામાં તમામ ડેલિગેટ્સ સુરક્ષિત છે. અત્યાર સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના સ્વાત જિલ્લામાં ફોરેન ડેલિગેટ્સ પર આંતકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. જો કે આ હુમલામાં એક પણ ડેલિગેટ્સને નુકસાન પહોંચ્યું નથી, પરંતુ ૧ પાકિસ્તાની પોલીસ કર્મચારી અને અન્ય ૪ જવાન ઘાયલ થયા છે. આ હુમલાથી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તરે આબરૂ ખરડાઈ છે.
પાકિસ્તાનમાં થયેલા આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને લીધી નથી. આ હુમલામાં વિદેશી રાજદૂતોના કાફલાની સુરક્ષા કરતી પોલીસ વાનને નિશાન બનાવાઈ હતી. જે પોલીસ વાહનને નિશાન બનાવવામાં આવ્યું તે ૧૧ વિદેશી રાજદ્વારીઓને લઈને જતા કાફલાના આગળના ભાગમાં હતું.
સુરક્ષિત બચેલા તમામ ફોરેન ડેલિગેટ્સને ઈસ્લામાબાદ મોકલી દેવામાં આવ્યા છે. કાફલામાં તાજિકિસ્તાન, કઝાકિસ્તાન, ઈરાન, ઈથોપિયા, પોર્ટુગલ, રશિયા અને અન્ય દેશોના રાજદૂતો સામેલ હતા. ઘાયલોને સૈદુ શરીફ સ્થિત જિલ્લા મુખ્યાલય હોસ્પિટલ (DHQ)માં લઈ જવામાં આવ્યા હતા. ઘટના બાદ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું.