પાકિસ્તાન, ચીન અને ઈરાનના સંયુક્ત મિસાઈલ-ડ્રોન પ્રોગ્રામથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું, ૨૬ કંપનીઓને કરી બ્લેકલિસ્ટ
અત્યારે પાકિસ્તાન, ઈરાન અને ચીન વચ્ચે મિસાઈલ અને ડ્રોનનો સંયુક્ત પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આ પ્રોગ્રામને લીધે અમેરિકાના પેટમાં તેલરેડાયું છે. અમેરિકાએ ૨૬ કંપનીઓને બ્લેકલિસ્ટ કરી છે. આ કંપનીઓ અમેરિકન ટેક્નોલોજીની મદદથી ડ્રોન અને મિસાઈલ પ્રોગ્રામને આગળ ધપાવી રહી હતી. અમેરિકાએ ઈરાન સાથે જોડાયેલી એવી કંપનીઓને પણ બ્લેકલિસ્ટ કરી છે જે ડ્રોન પ્રોગ્રામ સાથે સંકળાયેલી હતી.
અમેરિકાએ એવી ૨૬ કંપનીઓને બ્લેકલિસ્ટ કરી છે જે કથિત રીતે પાકિસ્તાન અને ઈરાનના હથિયારો અને ડ્રોનના સંયુક્ત પ્રોગ્રામને સમર્થન આપી રહી હતી. આ ૨૬ કંપનીઓમાંથી મોટા ભાગની પાકિસ્તાન, ચીન અને UAEની છે. પ્રતિબંધનું કારણ એવું આપવામાં આવ્યું છે કે આ કંપનીઓએ નિકાસ પ્રતિબંધ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
યુએસ કોમર્સ ડિપાર્ટમેન્ટ અનુસાર આ કંપનીઓ મિસાઈળ અને ડ્રોનના એવા સંયુક્ત પ્રોગ્રામમાં સામેલ થઈ છે જેમણે રશિયા અને ઈરાન સામે લાદવામાં આવેલા યુએસ પ્રતિબંધોનું ઉલ્લંઘન કર્યુ છે. આ પ્રતિબંધો પછી, આ બ્લેકલિસ્ટેડ કંપનીઓ હવે સરકારની મંજૂરી વિના અમેરિકન સામાન અને ટેક્નોલોજી ખરીદી શકશે નહીં.
અમેરિકાએ એક નિવેદનમાં કહ્યું, જો આ કંપનીઓ અમારા નિયંત્રણોનું ઉલ્લંઘન કરશે તો તેમને કિંમત ચૂકવવી પડશે. તેમાં પાકિસ્તાનની 9 કંપનીઓનો સમાવેશ થાય છે જે શેલ કંપનીઓ હતી અને બ્લેકલિસ્ટેડ કંપની એડવાન્સ એન્જિનિયરિંગ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન માટે સપ્લાયર કંપનીઓ તરીકે કામ કરી રહી હતી. ૨૦૧૦થી આ પાકિસ્તાની સંગઠન અમેરિકન સાધનોની મદદથી પાકિસ્તાનની ક્રૂઝ મિસાઈલ અને સ્ટ્રેટેજિક ડ્રોન પ્રોગ્રામને સપોર્ટ કરી રહ્યું હતું.
અમેરિકાએ કહ્યું કે આ પ્રવૃત્તિ અમેરિકાની વિદેશ અને રાષ્ટ્રીય સુરક્ષા નીતિની વિરુદ્ધ છે. અમેરિકાએ 6 ચીની કંપનીઓને પણ બ્લેકલિસ્ટ કરી છે જે અમેરિકન મૂળના સાધનોની મદદથી ચીનની સૈન્યને આધુનિક બનાવવામાં મદદ કરી રહી હતી અથવા ઈરાનના શસ્ત્રો અને ડ્રોન પ્રોગ્રામને સમર્થન આપી રહી હતી. અમેરિકાએ યુએઈની 3 કંપનીઓ સામે પણ કાર્યવાહી કરી છે. અગાઉ એવું બહાર આવ્યું હતું કે ઈરાનના પ્રખ્યાત કિલર ડ્રોનમાં પશ્ચિમી દેશોની ટેક્નોલોજીનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવ્યો છે.
Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him