SCO સંમેલનમાં ભાગ લેવા માટે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સોમવારે પાકિસ્તાન પહોંચી રહ્યા છે. જયશંકર પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ દ્વારા આયોજિત ડિનરમાં ભાગ લેશે. જયશંકર 9 વર્ષ બાદ પાકિસ્તાનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વિદેશ મંત્રી હશે. સમગ્ર વિશ્વની નજર આ મુલાકાત પર રહેશે.
ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા પાકિસ્તાન જઈ રહ્યા છે. 9 વર્ષ બાદ પ્રથમ વખત કોઈ ભારતીય વિદેશ મંત્રી પાકિસ્તાનની મુલાકાતે છે. ઈસ્લામાબાદમાં યોજાનારી બેઠકનું આયોજન પાકિસ્તાન કરી રહ્યું છે. આ મીટિંગ પર માત્ર વર્લ્ડ મીડિયા જ નહિ પરંતુ દિગ્ગજ રાજકારણીઓ વિવિધ દેશોના વડાપ્રધાનની નજર રહેશે.
પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક ડારે આ અંગે નિવેદન આપ્યું છે. ડારે કહ્યું હતું કે SCO કાઉન્સિલ ઑફ હેડ્સ ઑફ ગવર્નમેન્ટ (CHG)ની બેઠક દરમિયાન દ્વિપક્ષીય વાટાઘાટો કરવા માટે ભારત તરફથી કોઈ દરખાસ્ત મળી નથી અને ન તો પાકિસ્તાને નવી દિલ્હીને આવી કોઈ વિનંતી કરી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન સરકાર સંપૂર્ણ પ્રોટોકોલ સાથે જયશંકરનું સ્વાગત કરવાની યોજના ધરાવે છે, કારણ કે એક સારા યજમાન તરીકે પાકિસ્તાનની ફરજ છે.
SCO બેઠક માટે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા ડારે કહ્યું, ઈસ્લામાબાદ એવા સમયે આ બેઠકનું આયોજન કરી રહ્યું છે જ્યારે દેશ રાજકીય ઉથલપાથલનો સામનો કરી રહ્યો છે. ડારે કહ્યું, અમે ભારતીય વિદેશ મંત્રી સહિત સમિટના પ્રતિનિધિઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવા તૈયાર છીએ.
ભારતીય વિદેશ મંત્રી જયશંકર કોન્ફરન્સની શરૂઆતના એક દિવસ પહેલા સોમવારે પાકિસ્તાન પહોંચશે. સોમવારે તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ દ્વારા આયોજિત ડિનરમાં ભાગ લેશે. બંને પક્ષોએ સત્તાવાર દ્વિપક્ષીય બેઠકની કોઈ શક્યતા નકારી કાઢી હોવા છતાં ટૂંકી બેઠકની શક્યતાને નકારી શકાય નહીં.