રશિયા દ્વારા છ બ્રિટિશ રાજદ્વારીઓની હકાલપટ્ટી કરવામાં આવશે. રશિયાએ આ છ અધિકારીઓ પર જાસૂસીનો આરોપ લગાડ્યો છે. યુએસ અને યુકેએ રશિયા યુક્રેન યુદ્ધમાં યુક્રેનને મદદ કરવાનું વચન આપ્યા બાદ રશિયન બ્યુરોક્રસીમાં પરિસ્થિતિ વધુ તંગ બની છે.
રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસે શુક્રવારે ૬ બ્રિટિશ રાજદ્વારીઓ પર જાસૂસીનો આરોપ મૂક્યો છે. જેમાં આ અધિકારીઓ પાસેથી હક અને અધિકારો છીનવી લેવામાં આવ્યા છે. હવે આ અધિકારીઓની સત્વરે રશિયામાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવશે.
રશિયન સરકારી ટીવી અનુસાર વડા પ્રધાન કીર સ્ટારર રાષ્ટ્રપતિ જો બિડેન સાથે વાટાઘાટો માટે વોશિંગ્ટનની મુલાકાતે છે ત્યારે યુક્રેનને યુદ્ધમાં મદદ કરવાની સંભાવના વધી જાય છે.
વડા પ્રધાન કીર સ્ટારરે અમેરિકા જતા પહેલા નિવેદન આપ્યું હતું કે, રશિયાએ આ સંઘર્ષની શરૂઆત કરી હતી. રશિયાએ ગેરકાયદેસર રીતે યુક્રેન પર આક્રમણ કર્યું હતું. રશિયા આ સંઘર્ષને તરત જ ખતમ કરી શકે છે. યુક્રેનને સ્વ-બચાવનો અધિકાર છે અને અમે દેખીતી રીતે યુક્રેનના સ્વ-બચાવના અધિકારને સંપૂર્ણપણે સમર્થન આપીએ છીએ પરંતુ અમે રશિયા સાથે કોઈ સંઘર્ષ માંગતા નથી.
એફએસબીએ જણાવ્યું હતું કે, બ્રિટનના આ વલણ બાદ આ રાજદ્રારીઓની યુક્રેન તરફી ગતિવિધિઓ વધી ગઈ હતી. તેથી તેમના પર જાસૂસીનો આરોપ લગાડીને સત્વરે તેમની રશિયામાંથી હકાલ પટ્ટી કરવામાં આવશે.