ખેડૂત ખરાઈ માટે રેકર્ડ ચકાસણીમાં 6 એપ્રિલ 1995થી જ મહેસુલી રેકર્ડ ધ્યાનમાં લેવાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશનને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે.
મુખ્યમંત્રીએ શાસનના ૩વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં પ્રેવશના પ્રથમ દિવસે જ રાજ્યના ખેડૂતોના
વ્યાપક હિતમાં નિર્ણયો કર્યા છે.
રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં વેચાણ નોંધ હક્કપત્રકમાં દાખલ કરતી વખતે વેચાણ લેનાર ખેડૂત ખાતેદાર
પાસેથી 1951-52થી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાની પ્રથા રાજ્યમાં અમલમાં છે.
મુખ્યમંત્રીસમક્ષ એવી રજૂઆતો આવી હતી કે, બિન ખેતીની પરવાનગી દરમ્યાન મૂળથી ખેડૂત ખાતેદારની
ચકાસણીના કિસ્સાઓમાં રેકર્ડની બિન ઉપલબ્ધતા અને બિન ખેતી મંજુરીના કેસોમાં વિલંબને કારણે ખેડૂતો અને અરજદારોને અનેક
સમસ્યાઓ નડે છે.
1951-52થી બિનખેતી પરવાનગી સમયે જ્યારે મૂળથી ખેડૂત ખાતેદાર હોવાના આધાર પૂરાવાઓ માંગવામાં આવે છે, ત્યારે
આવા પુરાવાઓ જિલ્લા વિસ્તરણ, પૂર જેવી આકસ્મિક કુદરતી આપત્તિઓ, તેમ જ વડીલો અને હાલ ખરીદ કરનારાઓ દ્વારા જૂના
માણસોના ખેડૂત હોવાના પુરાવાઓ અપ્રાપ્ય હોવાને કારણે વેચાણ-નોંધો તેમ જ બિનખેતી અરજીઓ ખેડૂત ખરાઈના મુદ્દે દફતરે કરવાના કે
નામંજૂર કરવાના કિસ્સાઓ રાજ્ય સરકારના ધ્યાનમાં આવ્યા છે.
આના પરિણામે મૂળ ખેડૂત ખરાઈ બાબતે મૂળથી રેકર્ડની ચકાસણી કરવા બાબતે રેકર્ડની બિનઉપલબ્ધતાના કારણે વેચાણ-નોંધો
અને બિનખેતી મંજૂરીઓના કેસોમાં સરળીકરણ કરવાના હેતુથી મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.