વડાપ્રધાન મોદી અને પેલેસ્ટિયન રાષ્ટ્રપતિ વચ્ચે સૂચક મુલાકાત, ગાઝા સંઘર્ષ મુદ્દે વિચારવિમર્શ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. તેઓ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિને મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓએ ગાઝા સંઘર્ષ મુદ્દે વિચારવિમર્શ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ઈઝરાયેલ-હમાસ સંઘર્ષને લઈને ગાઝાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ગાઝામાં શાંતિ અને સ્થિરતા ભારતનું સમર્થન જાહેર કર્યુ હતું.
પીએમ મોદીએ X પર એક પોસ્ટમાં કહ્યું, ‘ન્યૂયોર્કમાં રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસને મળ્યા. ગાઝામાં શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે ભારતનું સમર્થન છે. પેલેસ્ટાઈન સાથે લાંબા સમયથી ચાલતી મિત્રતાને વધુ મજબૂત કરવા માટે વિચાર વિમર્શ કર્યો.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહામહિમ મહમૂદ અબ્બાસ સાથે મોદીએ ‘ગાઝામાં માનવતાવાદી પરિસ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી અને પેલેસ્ટાઈનના લોકોને ભારતના સતત સમર્થનની પુષ્ટી કરી હતી.‘
અમેરિકનપ્રવાસ દરમિયાન પીએમ મોદીએ કુવૈતના ક્રાઉન પ્રિન્સ અને નેપાળના પીએમ ઓલી સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી.
વિલ્મિંગ્ટનમાં ક્વાડ સમિટમાં ભાગ લીધા બાદ પીએમ મોદી ન્યૂયોર્ક પહોંચ્યા જ્યાં ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ભારતીય સમુદાયના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.