રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના મધ્યપ્રદેશ પ્રવાસના બીજા દિવસે ઉજ્જૈન પહોંચ્યા છે. રાષ્ટ્રપતિએ ઈન્દોર-ઉજ્જૈન સિક્સલેનનું ભૂમિપૂજન કર્યું હતું. ત્યારબાદ સ્વચ્છતા મિત્રોના સન્માન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ મુર્મુએ બાબા મહાકાલના દર્શન અને પૂજાનો લાભ લીધો હતો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઈન્દોરથી મહાકાલ શહેર ઉજ્જૈન પહોંચ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિએ પહેલા ઈન્દોર-ઉજ્જૈન સિક્સલેનનું ભૂમિપૂજન કર્યું હતું. આ કાર્યક્રમ બાદ દ્રોપદી મુર્મુએ મહાકાલ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે મહાકાલની પૂજા અર્ચના અને અભિષેક કર્યા હતા.
બાબા મહાકાલની પૂજા અર્ચના બાદ રાષ્ટ્રપતિએ કહ્યું કે, ઉજ્જૈની મહાકાલ નગરીમાં સદીઓથી સંસ્કૃતિ અને સભ્યતાની પરંપરા યથાવત છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ 1692 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ઈન્દોર-ઉજ્જૈન સિક્સલેન રોડનું ભૂમિપૂજન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે હું ઉજ્જૈનની આ ભૂમિને નમન કરું છું. અહીંની સંસ્કૃતિ અને સભ્યતાની પરંપરા સદીઓથી અસ્તિત્વમાં છે. લગભગ 2600 વર્ષ પહેલાં, ભગવાન બુદ્ધના સમયમાં, ઉજ્જૈની અવંતી રાજ્યની રાજધાની હતી. ગુપ્તકાળને ભારતીય ઈતિહાસનો સુવર્ણ યુગ માનવામાં આવે છે. તે સમયે, ઉજ્જૈન ભારતનું સૌથી મહત્વપૂર્ણ શહેર હતું.
દ્રૌપદી મુર્મુએ ઈન્દોરની સ્વચ્છતાની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ઈન્દોર સતત 7મી વખત સ્વચ્છ શહેર બન્યું છે, તે ગર્વની વાત છે. છેલ્લા 10 વર્ષમાં સ્વચ્છતા અભિયાન દેશવ્યાપી જન આંદોલન બની ગયું છે.