દિવાળીમાં વેપારીઓ માટે ચોપડા પૂજન બહુ મહત્વનું ગણાય છે. આખુ વર્ષ લક્ષ્મીજીની મહેર અને કૃપા યથાવત રહે તે માટે વેપારી બંધુઓ ચોપડા પૂજન દ્વારા લક્ષ્મીજીને પ્રાર્થના કરતા હોય છે. આ વર્ષે પણ વેપારીઓએ વર્ષો જૂની આ પરંપરાનું પાલન કર્યુ છે.
દિવાળી એટલે પાંચ પર્વોને સમાવિષ્ટ કરતો મહા ઉત્સવ. આ પર્વોત્સવ દરેક ભારતીય અબાલ વૃદ્ધ ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવે છે. આ પાંચ દિવસોમાં દિવાળીનો દિવસ વેપારીઓ માટે ખાસ હોય છે. આ દિવસે ફટાકડા ફોડવા સિવાય વેપારી વર્ગ ચોપડા પૂજન પણ કરે છે. જેથી આવનારૂ આખુ વર્ષ લક્ષ્મીજીની કૃપા તેમના પર વરસતી રહે.
આજે અમદાવાદ સહિત ગુજરાતના તમામ વેપારીઓએ શુભ મુહૂર્તમાં ચોપડાઓની વિધિવત પૂજા અર્ચના કરી હતી. આજના આઈટી યુગમાં પણ વર્ષો જૂની હિસાબો લખવાની પરંપરા અકબંધ છે. દિવાળીના દિવસે વેપારીઓ આખા વર્ષનો હિસાબ લખવાના ચોપડામાં અત્યંત ભાવપૂર્વક ધાર્મિક વિધિથી પૂજા અર્ચના કરે છે.
શહેરની સ્ટેશનરીઝમાં સવારથી જ વેપારીઓએ ચોપડાઓ ખરીદવા માટે ધસારો કર્યો હતો. આ ચોપડાઓનું શુભ મુહૂર્તમાં વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આજના યુગમાં દરેક હિસાબો ડિજિટલી થાય છે. લોકો હવે કમ્પ્યુટર અને અન્ય યંત્ર દ્વારા હિસાબો કરતા હોય છે. તેથી કેટલાય ઠેકાણે વેપારીઓએ લેપટોપ જેવા સાધનોની પણ પૂજા અર્ચના કરીને ચોપડા પૂજનની પરંપરા જાળવી હતી.