રશિયન સૈન્યના ટોચના અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ પાકિસ્તાનની મુલાકાતે છે. રશિયન ડેલિગેશને પાકિસ્તાનની સેનાના ત્રણેય વડાઓ સાથે અલગ-અલગ બેઠક કરી હતી. આ બેઠક બાદ રશિયા અને પાકિસ્તાન એકબીજાની નજીક આવી રહ્યા છે કે કેમ તેવી ચર્ચાએ વૈશ્વિક સ્તરે જોર પકડ્યું છે.
પાકિસ્તાન અને રશિયા એકબીજા સાથે સંબંધો મજબૂત કરી રહ્યા છે. રશિયન ડેપ્યુટી ડિફેન્સ મિનિસ્ટર કર્નલ જનરલ એલેક્ઝાન્ડર વી. ફોમીનના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય રશિયન પ્રતિનિધિમંડળ પાકિસ્તાનની મુલાકાતે છે. રશિયાના નાયબ સંરક્ષણ પ્રધાને ઇસ્લામાબાદમાં પાકિસ્તાનની ત્રણેય સેનાઓના વડાઓ સાથે અલગ-અલગ બેઠકો કરી હતી.
આ વિવિધ બેઠકો દરમિયાન બંને દેશોએ સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવાનો સંકલ્પ લીધો હતો. ટોચના રશિયન સૈન્ય અધિકારીઓની આ મુલાકાત કઝાનમાં બ્રિક્સ સંમેલનના થોડા દિવસો બાદ થઈ રહી છે, જેમાં પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો હતો. રશિયા દ્વારા આયોજિત સંમેલનમાં પાકિસ્તાનને આમંત્રણ પણ આપવામાં આવ્યું ન હતું.
પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ‘ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR)’ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘સેના પ્રમુખ જનરલ અસીમ મુનીર સાથેની મુલાકાત દરમિયાન બંને પક્ષોએ દ્વિપક્ષીય સહિત ક્ષેત્રીય સુરક્ષા અને પરસ્પર હિતોના મુદ્દાઓ પર ચર્ચા કરી, જેમાં સંરક્ષણ વધારવાનો પણ સમાવેશ થાય છે.
જનરલ મુનીરે રશિયા સાથે પરંપરાગત સંરક્ષણ સંબંધોને મજબૂત કરવા માટે પાકિસ્તાનની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. “બેઠકમાં સંયુક્ત સૈન્ય કવાયતો અને PAF ઉપકરણોને તકનીકી સહાય દ્વારા વર્તમાન સંબંધોને મજબૂત કરવાના નવા માર્ગો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.