હિઝબુલ્લાએ ઇઝરાયેલના સૈન્ય મથક પર મોટો ડ્રોન હુમલો કર્યો હતો. આ હુમલામાં ૪ ઈઝરાયેલ સૈનિકોના મોત થયા છે, જ્યારે ૬૭ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હિઝબુલ્લાએ આ હુમલામાં પોતાના સૌથી શક્તિશાળી ડ્રોન મિરસાદ-૧નો ઉપયોગ કર્યો હતો. આ ડ્રોને ઈઝરાયેલના એર ડિફેન્સને ફેલ કરી દીધું છે.
ઈઝરાયેલના સૈન્ય મથક પર હિઝબુલ્લાહના ડ્રોન હુમલાએ ઈરાનની સૈન્ય તાકાતનો પરિચય આપ્યો છે. ઈઝરાયેલને ખતરનાક દુશ્મન સામે લડી રહ્યા હોવાનો અહેસાસ થઈ ગયો છે.
હિઝબુલ્લાહના મિરસાદ-૧ ડ્રોન હુમલામાં અત્યાર સુધીમાં ૪ સૈનિકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. IDFએ અહેવાલ આપ્યો છે કે ૭ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે 14ને સામાન્ય ઈજાઓ થઈ છે. ઇઝરાયલી મીડિયાએ જણાવ્યું કે ૬૭ લોકો ઘાયલ થયા છે.
હિઝબુલ્લાહના ડ્રોન હુમલાની ખાસ વાત એ છે કે ઇઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમ તેને રોકવામાં નિષ્ફળ રહી હતી. દરિયામાંથી પ્રવેશેલા ડ્રોને મધ્ય ઇઝરાયેલમાં લશ્કરી મથકને નિશાન બનાવ્યું હતું. આ સમય દરમિયાન, તે ઇઝરાયેલના રડારમાં દેખાયા પછી, ઇઝરાયેલી વાયુસેનાના વિમાનોએ તેનો પીછો કર્યો, પરંતુ તેને મારવામાં નિષ્ફળ ગયા અને તે રડારથી ગાયબ થઈ ગયું.
મિલિટરી બેઝ પર હુમલા પહેલા ચેતવણીના સાયરન પણ વાગ્યા ન હતા. આ હુમલા સાથે હિઝબુલ્લાએ પણ પોતાની તાકાત બતાવી છે. હિઝબુલ્લાહે આ હુમલા માટે મિરસાદ-૧ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. તે એક આત્મઘાતી ડ્રોન છે. અલ્મા રિસર્ચ સેન્ટરના નિષ્ણાતોના મતે મિરસાદ-૧ ઈરાનના મોહજેર-૨ મોડલની ડિઝાઈન પર બનાવવામાં આવ્યું છે. હિઝબુલ્લાહ માટે તેમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.
અલ્મા સેન્ટરના જણાવ્યા અનુસાર, આ ડ્રોન ૪૦ કિલો સુધી વિસ્ફોટક લઈ જઈ શકે છે. તેની મહત્તમ ઝડપ ૩૭૦ કિમી પ્રતિ કલાક છે અને તેની હુમલાની રેન્જ ૧૨૦ કિમી સુધી છે. તે ૩૦૦૦ મીટરની ઉંચાઈ સુધી ઉડી શકે છે. હિઝબુલ્લાહ મિરસાદ-૧ નો ઉપયોગ જાસૂસી અને આક્રમક હુમલા માટે કરે છે.