ઓસ્ટ્રેલિયાની મહિલા સેનેટરે બ્રિટનના રાજા ચાર્લ્સના ભવ્ય સ્વાગતમાં અપમાનનો કાળો ડાઘ લગાડ્યો છે. તેણીએ સંસદના ગ્રેટ હોલમાં કિંગ ચાર્લ્સને ખુની ગણાવ્યા છે. ઓસ્ટ્રેલિયાની આ મહિલા નેતાએ રાજા ચાર્લ્સને તેના રાજા તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
ઓસ્ટ્રેલિયાની સંસદમાં બ્રિટનના રાજા ચાર્લ્સના સ્વાગત સમારોહ દરમિયાન વિરોધ કરનાર સ્વતંત્ર સેનેટર લિડિયા થોર્પે અચાનક જ આખી દુનિયાના મીડિયાની હેડલાઈન્સમાં ચમકી ગઈ છે. બ્રિટિશ સિંહાસન પર આરોહણ કર્યા પછી પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવેલા રાજા ચાર્લ્સ જ્યારે પોતાનું સંબોધન પૂરું કરીને કેનબેરામાં સંસદમાં બેઠા હતા ત્યારે લિડિયાએ બૂમ પાડી, ‘તમે મારા રાજા નથી.‘
51 વર્ષીય લિડિયાએ કિંગ ચાર્લ્સ પર ઓસ્ટ્રેલિયાના વતનીઓ સામે નરસંહાર કરવાનો આરોપ મૂક્યો હતો. થોર્પેના વિરોધનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સંસદના ગ્રેટ હોલમાં કિંગ ચાર્લ્સનો ભવ્ય સ્વાગત સમારોહ રાખવામાં આવ્યો હતો. જેમાં ખલેલ પાડતા લિડિયા થોર્પે કહ્યું, ‘તમે અમારા લોકો સામે નરસંહાર કર્યો છે. અમારી જમીનનો નાશ કર્યો. અમને અમારી જમીન પાછી આપો. તમે અમારી પાસેથી જે ચોર્યુ છે તે અમને પરત કરો. અમારા હાડકાં, અમારા માથા, અમારા બાળકો, અમારા લોકો. આ દરમિયાન ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ થોર્પને હોલમાંથી બહાર કાઢ્યા હતા.
કાર્લટન, વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયામાં 1973માં જન્મેલી લિડિયા થોર્પે ગુન્નાઈ, ગુંડિતજમારા અને ઝાબ વુરાન્ડ વંશીય સમુદાયોની છે. ઓસ્ટ્રેલિયામાં સ્વદેશી મુદ્દાઓની હિમાયત કરતી અગ્રણી વ્યક્તિઓમાં તેનો સમાવેશ થાય છે. થોર્પે કોમ્યુનિટી ડેવલપમેન્ટમાં ડિપ્લોમા અને સ્વિનબર્ન યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાંથી બેચલર ઓફ પબ્લિક સેક્ટર મેનેજમેન્ટની ડિગ્રી લીધી છે. તેઓ દેશમાં રાજાશાહીના સખત વિરોધ માટે જાણીતા છે.