બાંગ્લાદેશના સતખીરા જિલ્લામાં સ્થિત જેશોરેશ્વરી મંદિરમાંથી કાળકા માતાનો મુગટ ચોરાઈ જતા ચકચાર મચી ગઈ છે. આ ચકચાર આંતરરાષ્ટ્રીય હોવાનું કારણ એ છે કે આ મુગટ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૨૧માં ભેટ આપવામાં આવ્યો હતો.
બાંગ્લાદેશના જેશોરેશ્વરી મંદિરમાંથી મા કાલીનો મુગટ ચોરાઈ ગયો છે. ચાંદી અને સોનાની પ્લેટથી બનેલો આ મુગટ ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ મંદિરને ભેટમાં આપ્યો હતો. નરેન્દ્ર મોદી જ્યારે ૨૦૨૧માં બાંગ્લાદેશની મુલાકાતે ગયા ત્યારે તેમણે જેશોરેશ્વરી મંદિરની પણ મુલાકાત લીધી હતી.
બાંગ્લાદેશી અખબાર ડેઇલી સ્ટાર અનુસાર, મંદિરના પૂજારી અને સફાઇ કર્મચારીઓને જાણવા મળ્યું કે દેવી કાલિના માથામાંથી મુગટ ગાયબ છે. બાંગ્લાદેશી પોલીસે ચોરીની પુષ્ટિ કરી છે અને તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે ગુનેગારને ઓળખવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ ચોરને પકડી લેવામાં આવશે.
પેઢીઓથી મંદિરની સંભાળ રાખનારા પરિવારના સભ્ય જ્યોતિ ચટ્ટોપાધ્યાયે બાંગ્લાદેશી મીડિયાને જણાવ્યું કે મુગટ ચાંદીનો બનેલો હતો અને સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો હતો. પીએમ મોદીએ માર્ચ ૨૦૨૧માં જેશોરેશ્વરી મંદિરમાં મુગટ અર્પણ કરતી વખતે મંદિરમાં મલ્ટી પર્પઝ કોમ્યુનિટી હોલ બનાવવાની પણ જાહેરાત કરી હતી.
Read Also https://xpertkashi.in/maldives-president-visits-taj-mahal-romantic-photo-with-wife-on-iconic-bench/