જાપાને ઇતિહાસમાં પ્રથમ વખત તાઇવાન સ્ટ્રેટમાં તેના ડીસ્ટ્રોયર શિપને મોકલ્યું છે. ઓગસ્ટમાં ચીને જાપાની એરસ્પેસમાં ઘૂસણખોરી કરી હતી. જાપાનની આ ગતિવિધિને ચીનની વધતી સૈન્ય આક્રમકતાનો વળતો જવાબ મનાય છે.
ચીન તેની ઉશ્કેરણીજનક સૈન્ય કાર્યવાહી માટે કુખ્યાત છે. ભારત, મ્યાનમાર, શ્રીલંકા તેની આ હરકતથી પરેશાન છે. જો કે ચીને જાપાનને આ રીતે પરેશાન કરીને ભૂલ કરી દીધી છે. જાપાને ચીનની સૈન્ય હરકતનો જવાબ આપ્યો છે. જાપાને તાઈવાન તરફ તેની નેવીના ડીસ્ટ્રોયર જહાજને મોકલ્યા છે.
ઓગસ્ટમાં ચીને જાપાની એરસ્પેસમાં ઘૂસણખોરી કરી હતી. તેના જવાબમાં જાપાન મેરીટાઇમ સેલ્ફ-ડિફેન્સ ફોર્સ (JMSDF) ડિસ્ટ્રોયર તાઇવાન સ્ટ્રેટમાંથી પસાર થયું હતું. આ પહેલીવાર છે જ્યારે જાપાની ડિસ્ટ્રોયર જેએસ સઝાનામી તાઈવાન સ્ટ્રેટમાંથી પસાર થયું હોય.
યોમિયુરી શિમ્બુન રિપોર્ટ અનુસાર જાપાન સરકારના સૂત્રોએ જણાવ્યું કે આ કવાયતનો આદેશ જાપાનના વડાપ્રધાન કિશિદા ફ્યુમિયોએ આપ્યો હતો. જાપાનનું માનવું છે કે જો ચીનની ઘૂસણખોરીનો જવાબ આપવામાં નહીં આવે તો બેઇજિંગને પ્રોત્સાહન મળશે અને તે ફરીથી આવા કૃત્યોનું પુનરાવર્તન કરશે.