Site icon Justnownews

ઈમરાન ખાનનું ઓક્સફર્ડ યુનિ.ના ચાન્સેલર બનવાનું સપનું રોળાયું, અંતિમ યાદીમાંથી નામ બાકાત

જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ચાન્સેલર બનવા માટે અરજી કરી હતી, પરંતુ યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા અંતિમ ઉમેદવારોની યાદીમાં તેમનું નામ સામેલ નથી. ઉલ્લેખનીય છે કે આ યાદીમાં ૩ ભારતીય મૂળના ઉમેદવારોના નામ છે.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ નેતા ઈમરાન ખાનને વધુ એક આંચકો લાગ્યો છે. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ ચાન્સેલરની રેસમાં જેલમાં બંધ પાકિસ્તાની નેતાનું નામ સામેલ કર્યું નથી. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ચૂંટણી માટે લાયક ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં ઈમરાન ખાનનું નામ સામેલ નથી. આ પહેલા ઈમરાન ખાને પાકિસ્તાનની જેલમાંથી જ યુનિવર્સિટીના કુલપતિ પદ માટે અરજી કરીને સૌને ચોંકાવી દીધા હતા.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ભલે ચાન્સેલરની રેસમાંથી હટાવી દેવામાં આવ્યા હોય, પરંતુ ભારત માટે સારા સમાચાર છે. આ વખતે કુલપતિની રેસમાં ૩ ભારતીય મૂળના ઉમેદવારોના નામ સામેલ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ચાન્સેલરની રેસમાં  અંતિમ ૩૮ નામોની જાહેરાત કરી હતી. આમાં બર્કશેમાં બ્રેકનેલ ફોરેસ્ટના પ્રથમ ભારતીય મૂળના મેયર અંકુર શિવ ભંડારી, આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ સાહસિક પ્રોફેસર નિર્પાલ સિંહ પોલ બંઘાલ અને મેડિકલ પ્રોફેશનલ પ્રતીક તરવાડીના નામનો સમાવેશ થાય છે.

આ સિવાય કન્ઝર્વેટિવ પાર્ટીના પૂર્વ નેતા લોર્ડ વિલિયમ હેગ અને ભૂતપૂર્વ લેબર લીડર લોર્ડ પીટર મેન્ડેલસન ચાન્સેલરની રેસમાં સામેલ છે. યુનિવર્સિટી વહીવટીતંત્રે જણાવ્યું હતું કે પ્રથમ વખત ઓપન એપ્લીકેશન મંગાવવામાં આવી હતી અને કુલપતિની ચૂંટણી સમિતિએ નિયમો મુજબ તમામ અરજીઓની સમીક્ષા કરી હતી.

આ પહેલા ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ચાન્સેલર બનવાની તેમની અરજી અંગે માહિતી આપી હતી. પીટીઆઈ નેતા ઝુલ્ફીકાર બુખારીએ X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, ‘ઈમરાન ખાનના નિર્દેશો અનુસાર ઓક્સફોર્ડ યુનિવર્સિટી ચાન્સેલર ઈલેક્શન ૨૦૨૪ માટે તેમનું આવેદનપત્ર સબમિટ કરવામાં આવ્યું છે.

હવે યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે ઈમરાન ખાન આ રેસમાં સામેલ નથી. ઓક્સફોર્ડે કહ્યું છે કે તમામ અરજદારોને તેના નિર્ણયની જાણ કરવામાં આવી છે. જો કે ઓક્સફોર્ડે અસ્વીકાર માટે કોઈ કારણ આપ્યું ન હતું, કેટલાક નિષ્ણાતોએ સંકેત આપ્યો હતો કે ઈમરાન ખાન તેમના દેશમાં ગુનાહિત દોષિત હોવાને કારણે આ પદ માટે અયોગ્ય હોઈ શકે છે.

Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him

Exit mobile version