અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી મેઘરાજા મહેરબાન થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસશે.હવામાન વિભાહના જણાવ્યા અનુસાર, મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે. જેના કારણે આજે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા બોટાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
આવતીકાલે આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યકત કરી છે. જ્યારે 27 જૂને પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી તેમજ ભાવનગરમાં ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે.
60 તાલુકામાં વરસાદ નોંધાયો હતો
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં 60 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લામાં નોંધાયો છે. બપોરે 12 વાગ્યા સુધી સૌથી વધુ વરસાદ સવા બે ઇંચ ખેડામાં નોંધાયો છે. રાજ્યમાં વરસાદની માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આજે મંગળવારે સાંજે 6 વાગ્યા સુધી 8 જિલ્લા અંગે આગાહી કરવામાં આવી છે. ગુજરાતના 8 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદ ઉપરાંત દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા, આણંદ, ભાવનગર, અમરેલીમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે વરસાદ થઈ શકે છે. રાજ્યના અન્ય 16 જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 26 અને 27 તારીખે વરસાદનું જોર ઘટી શકે છે પરંતુ 28 જૂનથી ફરી વરસાદ વધશે. ગુજરાતના પૂર્વ અને દક્ષિણમાં વરસાદનું જોર વધવાનું અનુમાન છે. જો 26થી 27 તારીખ સુધી વરસારનું જોર ઘટ્યાં બાદ ફરી 29 અન 30 જૂનથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધશે. 30 જૂન બાદ સૌરાષ્ટ્રના સમગ્ર વિસ્તારમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. 2 જુલાઇ સુધીમાં ચોમાસુ આખા રાજ્યને આવરી લેશે, જેના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાત સહિતના વિસ્તારમાં સારો વરસાદ વરસે તેવું અનુમાન છે.
છેલ્લા થોડા દિવસથી ગુજરાતના નવસારીમાં થંભી ગયેલું ચોમાસું હવે ગતિશીલ (Gujarat monsoon) બન્યું છે. ચોમાસુ ફરી સક્રિય બનતા હવે નવસારીથી આગળ વધીને ગીર સોમનાથ, અમરેલી, તાપી સુરત ભરૂચ તરફ આગળ વધી ગયું છે, જેની અસરથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.