રવિવારથી વરસી રહેલા વરસાદથી ગુજરાતને હજુ પણ રાહત મળે તેવી સ્થિતિ નથી. ગુજરાત ઉપર ભારેથી અતિ ભારે વરસાદ વરસાવનારી સિસ્ટમ હજુ પણ રાજ્ય ઉપર સક્રીય છે. આ વરસાદી સિસ્ટમ, હાલમાં ઉતર ગુજરાતમાં પાટણ અને ડિસાની નજીક સ્થિર છે. જે પ્રતિ કલાકના પાંચ કિલોમીટરની ઝડપે આગળ વધી રહી છે. આ જ વરસાદી સિસ્ટમને પગલે, આજે સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.
ગુજરાતમાં ગત રવિવાર રાત્રીથી અતિ ભારે વરસાદ વરસાનારી સિસ્ટમ હવે ગુજરાતમાં સ્થિર થઈ છે. પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં જે ડિપ્રેશન હતુ તે ડિપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું. અને તે ધીમે ધીમે ગુજરાતમાં આગળ વધી રહ્યું હતું. ગઈકાલ સોમવારે આ વરસાદી સિસ્ટમ આગળ વધીને, હાલમાં ઉત્તર ગુજરાતના પાટણ અને ડિસાની આસપાસમાં સ્થિર થઈ છે. આ વરસાદી સિસ્ટમની આગળ વધવાની ગતી ગઈકાલ સોમવારની સરખામણીએ આજે મંગળવારે થોડીક ઓછી થવા પામી છે. હાલમાં આ વરસાદી સિસ્ટમ પ્રતિ કલાકના પાંચ કિલોમીટરની ઝડપે આગળ વધી રહી છે.
હવામાન વિભાગનું માનવું છે કે, આગામી બે દિવસ હજુ પણ ગુજરાતમાં જળબંબોર થાય તેવી સ્થિતિ છે. પાટણથી 10 કિલોમીટર અને ડિસાથી 50 કિલોમીટર દૂર રહેલ ડિપ ડિપ્રેશન, હવે પશ્ચિમ- દક્ષિણ પશ્ચિમ દિશામાં સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા વિસ્તાર તરફ આગળ વધી રહી છે. ડિપ ડિપ્રેશનને અરબ સાગર પરથી વરસાદ વરસાવવા માટે સાનુકુળ વાતાવરણ મળી રહેતા, હજુ બે દિવસ ગુજરાતમાં અતિશય ભારે વરસાદની શક્યતા રહેલી છે.