જર્મનીએ સ્કિલ્ડ ઈન્ડિયન ટાસ્ક ફોર્સ માટેના વિઝા ૨૦,૦૦૦થી વધારીને ૯૦,૦૦૦ કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કિલ્ડ ઈન્ડિયન ટાસ્ક ફોર્સ માટે વિઝા સંખ્યા 20,000 થી વધારીને 90,000 કરવાના જર્મનીના નિર્ણયની જાહેરાત કરી અને કહ્યું કે તે જર્મનીના વિકાસને નવી ગતિ આપશે.
જર્મન બિઝનેસની એશિયા પેસિફિક કોન્ફરન્સમાં પીએમ મોદીએ કહ્યું, “અમે આવનારા 25 વર્ષોમાં વિકિસિત ભારતનો રોડમેપ તૈયાર કર્યો છે. મને ખુશી છે કે આ મહત્વપૂર્ણ સમયમાં, જર્મન કેબિનેટે ‘ભારત પર ફોકસ‘ કર્યું છે. જર્મનીએ સ્કિલ્ડ ઈન્ડિયન ટાસ્ક ફોર્સ માટે વિઝા સંખ્યા 20,000 થી વધારીને 90,000 કરવાનો નિર્ણય લીધો છે તે જર્મનીના વિકાસને નવી ગતિ આપશે.”
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિઝાની સંખ્યા વધારવામાં જર્મનીનો સર્વગ્રાહી અભિગમ અને વ્યૂહાત્મક ભાગીદારીને અનુસરવાની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે. જર્મનીની નવી વિઝા નીતિ ભારતના કુશળ વર્કફોર્સ સુધી પહોંચવામાં દેશની વધતી જતી રૂચિને રેખાંકિત કરે છે.
જર્મનીને ટાંકીને વડાપ્રધાને કહ્યું કે, ભારતની વિકાસગાથામાં સામેલ થવાનો આ યોગ્ય સમય છે. જ્યારે ભારતની ગતિશીલતા અને જર્મનીનું એન્જિનિયરિંગ સાથે મળીને સમૃદ્ધિની નવી દિશા ખોલશે છે. આ ઘટના ઈન્ડો-પેસિફિક સહિત વિશ્વ માટે વધુ સારા ભવિષ્યની ખાતરી છે.
વડા પ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતમાં AI એટલે એસ્પિરેશનલ ઇન્ડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ભારત ભવિષ્યના વિશ્વની જરૂરિયાતો પર કામ કરી રહ્યું છે.