ઉત્તર વિયેતનામમાં પૂર અને ભૂસ્ખલનને લીધે સ્થિતિ બદથી બદતર બની રહી છે. હવે સત્તાવાર મૃત્યુઆંક ૧૯૭ થયો છે. ટાયફૂન યાગીને લીધે ઉત્તર વિયેતનામમાં વિનાશક પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. આ વાવાઝોડાને કારણે ઓછામાં ઓછા ૧૯૭ લોકોના મોત અને ૧૨૫ લોકો ગુમ થયા છે.
ઉત્તર વિયેતનામમાં ટાયફૂન યાગી વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓ-પુલો સહિતની માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન પહોંચ્યું છે. ઉપરાંત સતત ભારે વરસાદ સ્થિતિ વધુ જોખમી કરી રહ્યો છે.
વિયેતનામના VNExpress અખબારે અહેવાલ આપ્યો છે કે ૧૯૭ લોકો મૃત્યુ પામ્યા છે અને 12૫ હજુ પણ ગુમ છે, જ્યારે ૮૦૦થી વધુ ઘાયલ થયા છે. રાજધાનીમાં નદીમાંથી પૂરનું પાણી થોડું ઓછું થયું પરંતુ ઘણા વિસ્તારો હજુ પણ ડૂબેલા છે.
યાગી દાયકાઓમાં દક્ષિણપૂર્વ એશિયાના દેશમાં ત્રાટકનાર સૌથી શક્તિશાળી વાવાઝોડું સાબિત થયું છે. તે 149 કિમી પ્રતિ કલાક (92 માઇલ પ્રતિ કલાક) સુધીના પવન સાથે શનિવારે લેન્ડફોલ થયું હતું. રવિવારે નબળા પડવા છતાં, ધોધમાર વરસાદ ચાલુ રહ્યો અને નદીઓમાં જળસ્તર જોખમી બન્યા છે.