દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મંગળવારે સાંજે એલજી વીકે સક્સેનાને રૂબરૂ મળીને રાજીનામું આપશે. આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક મળી હતી. જેમાં નવા મુખ્યમંત્રીના નામની ચર્ચા થઈ હતી. આવતીકાલે સવારે આમ આદમી પાર્ટી એમએલએ મીટિંગ થશે.
દિલ્હીના આગામી મુખ્યમંત્રી માટે આમ આદમી પાર્ટી (AAP)માં વિચારવિમર્શ થઈ રહ્યો છે. AAPની રાજકીય બાબતોની સમિતિની બેઠક લગભગ એક કલાક સુધી સીએમ હાઉસમાં થઈ હતી. જેમાં તમામ મોટા નેતાઓએ ભાગ લીધો હતો. જો કે આપના મહત્વના નેતાઓ સંજય સિંહ અને સંદીપ પાઠક હાજર રહ્યા ન હતા.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા બાદ પ્રથમ વખતની આ બેઠકમાં દિલ્હીના આગામી સીએમ અને કેબિનેટને લગતી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. સૌરભ ભારદ્વાજે કહ્યું કે મુખ્યમંત્રીએ નવા મુખ્યમંત્રી અંગે તમામ નેતાઓ અને મંત્રીઓ સાથે વન ટુ વન ચર્ચા કરી. તેમની પાસેથી ફીડબેક લીધો. આવતીકાલે ધારાસભ્ય દળની બેઠક મળશે.
આવતીકાલ સાંજે CM અરવિંદ કેજરીવાલ LGને પોતાનું રાજીનામું આપશે અને મુખ્યમંત્રી તરીકેનો પ્રસ્તાવ મૂકી શકે છે. કેજરીવાલના રાજીનામા બાદ દિલ્હીના આગામી મુખ્યમંત્રી તરીકે મંત્રી આતિશી, ગોપાલ રાય, સૌરભ ભારદ્વાજ, કૈલાશ ગેહલોત, દિલ્હી વિધાનસભાના ઉપાધ્યક્ષ રાખી બિરલા, કેટલાક અનામત વર્ગના ધારાસભ્યો અને AAP સુપ્રીમોની પત્ની સુનીતા કેજરીવાલના નામ આ પદ માટે સંભવિત ઉમેદવાર તરીકે ચર્ચાઈ રહ્યા છે.