વિવાદાસ્પદ IAS ટ્રેની પૂજા ખેડકરની મુશ્કેલીમાં વધારો, હવે કોર્ટમાં ખોટું બોલવાનો લાગ્યો આરોપ
UPSC એ મહારાષ્ટ્રની IAS ટ્રેની પૂજા ખેડકર પર કોર્ટમાં ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે UPSCની અરજી પર સુનાવણી કરતા ખેડકરને નોટિસ ફટકારી છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ બરતરફ તાલીમાર્થી IAS પૂજા ખેડકર વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં તેણીએ કોર્ટમાં ખોટું સોગંદનામું દાખલ કરવાનો આરોપ લગાવ્યો છે. UPSCની અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે પૂજા ખેડકરને નોટિસ ફટકારી છે. જસ્ટિસ જ્યોતિ સિંહે આ કેસની આગામી સુનાવણી 26 નવેમ્બરે કરવાનો આદેશ આપ્યો છે.
સુનાવણી દરમિયાન, UPSC તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ નરેશ કૌશિકે કહ્યું કે પૂજા ખેડકરની ઉમેદવારી રદ કરવાની માહિતી 31 જુલાઈના રોજ પૂજાના રજિસ્ટર્ડ ઈ-મેલ આઈડી પર મોકલવામાં આવી હતી. આ એ જ ઈ-મેલ આઈડી છે જે પૂજા ખેડકરે 2022 ના સિવિલ સર્વિસ પ્રોગ્રામ માટે અરજી કરતી વખતે ઓનલાઈન દાખલ કર્યું હતું. પૂજા ખેડકરે કોર્ટ સમક્ષ ખોટું નિવેદન આપ્યું હતું કે તેણીને ઉમેદવારી રદ કરવા અંગે જાણ કરવામાં આવી ન હતી. યુપીએસસીની અખબારી યાદી પરથી આ અંગેની જાણકારી મળી હતી. કૌશિકે કહ્યું કે પૂજા ખેડકરે પણ તેના વકીલ સાથે ખોટું બોલ્યું અને જાણી જોઈને ખોટું સોગંદનામું દાખલ કર્યું. કૌશિકે કહ્યું કે તમારી તરફેણમાં નિર્ણય લેવા માટે ખોટું સોગંદનામું દાખલ કરવું એ ગંભીર ગુનો છે. આ ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચાડે છે. તેમણે કહ્યું કે ખેડકરની એફિડેવિટ 28 જુલાઈની છે. જ્યારે યુપીએસસીએ 31 જુલાઈના રોજ ઉમેદવારી રદ કરવાનો આદેશ આપ્યો હતો.